Gujarati Blog - મને મારી ભાષા ગમે છે કારણ કે

"ભાષા જાશે તો સંસ્ક્રૃતિ પણ જાશે અને જો ભાષા રહેશે તો સંસ્ક્રૃતિ પણ રહેશે" તો ચાલો આપણે આપણી ભાષા નો પ્રચાર કરીએ અને કહીયે કે "મને મારી ભાષા ગમે છે કારણ કે હુ મારી માને મા કહી શકુ છુ"

Sunday, February 19, 2006

end of love - પ્રેમનો અંત

"નખ ટેરવાંના શહેરમાં જો
તું મને શોધ્યા કરે તો
હું તને કયાંથી મળું" ?
દિવ્ય ભાસ્કર તારીખ 14-2-2006 ના રોજ કટાર લેખક શ્રી કાંતિ ભટ્ટ ને વેલેંટાઈન-ડે માટે કવિ જવાહર બક્ષી એ પ્રેમ વિશે કહેલ હતી અને તેનો ભાવાર્થ પણ સમજાવવા મે કહ્યું,કવિ કહે છે કે ; આજકાલ પશ્વિમાં પ્રેમ શબ્દ વાપરીને કે પ્રેમમાં પડીને તે જ દિવસે કે તે જ ક્ષણે તેને ભોગવી લેવાની તાલાવેલી હોય છે.'સ્લામ-બ્લામ-થેંકસ-મેડમ' જેવો શબ્દપ્રયોગ થાય છે. અર્થાત બે આંખ મળી,શારીરિક રુપનું આકર્ષણ થયું. પછી કિસાકિસ કરી અને પ્રેમીપાત્રને બેડરુમમાં સીધા લઈ જવાય છે,એ પછી તું કોણ અને હું કોણ એવો જ ભાવ બાકી રહે છે.
એ હિસાબે કવિ જવાહર બક્ષીએ લખ્યું છે કે "જો પ્રેમીઓ નખ ટેરવામાં એટલે કે માત્ર સ્પર્શમાં કે શારીરિક સુખ ભોગવવામાં જ પ્રેમને શોધતા હોય કે ભૌતિક સુખમાં રચ્યાંપચ્યાં રહે તો પછી સાચો પ્રેમ કયાંથી મળે ?
આવું જ ક'ઈક કવિ અર્જુન બ્રહ્મક્ષત્રિય પોતાના કાવ્યમાં કહે છે ;
રેતીના દરિયામાં
મેં દોરી એક સોનેરી માછલી.
કાગળનાં આકાશમાં
મેં દોર્યો એક ચંદ્ર
એક ખડક પર
પંખીને બેસાડયું.
ઈવના પિંજરામાં
પૂરી દીધો આદમને.
માછલી મરી ગઈ
ચંદ્ર ભાંગી ગયો
ખડકમાં તિરાડો પડી
પંખીનાં પીંછાં ખરી ગયાં
અને આમ ને આમ
પ્રેમનો અંત આવ્યો.
-કવિ અર્જુન બ્રહ્મક્ષત્રિય

Sunday, February 12, 2006

to stop fatigue-થોભ્યાનો થાક

છેલ્લા પંદર દીવસથી પોરબંદર ની અંદર રમેશ ઓઝા નામના કથાકાર નો જે તમાશો ચાલે છે તે જોઈને હવે તો એમ થાય છે કે ભગવાન ને પણ શું આવા જ લોકો ગમે છે ? આજે હિંદુ ધર્મ પૈસાદાર લોકોનો ધર્મ થય ગયો છે અને જ્યારથી આવા કથાકારો પછી રમેશ ઓઝા હોય કે મોરારી નામના કોઈ વ્યકિત હોય આ બધા ની કથની ક'ઈ હોય અને કરણી પણ બીજી હોય.
હમણા જે કથા ચાલે છે ત્યાં જે મંદિર બનાવેલુ છે તેની કિંમત 5 કરોડની છે અને તે મંદિર થી અંદાજીત 3 કિલોમીટર દુર સીમેંટ ફેકટરી બંધ છે,આ ફેકટરી બંધ થય જવાથી કેટલાય ગરીબ માણસોની રોજી છીનવાય ગયેલ છે,મંદીર બાંધવાને બદલે આ ફેકટરી પાછળ પૈસા નાખ્યા હોત તો કેટલાય ગરીબ માણસોના ભાગ્ય બદલાય જાત પણ આ કરે કોન ? આવો વિચાર પણ આ કથાકાર ને આવ્યો નહીં હોય કારણ કે આ બધા કથાકારો તો પૈસાદારોના ફેમીલી ડોકટર જેવા છે.
જ્યારે સાંદીપની સંસ્થામા આગ લાગી ત્યારે આ આપણા રમેશ ઓઝા એમ બોલ્યા હતા કે : આવી દુર્ઘટના બને ત્યારે સંત હોય કે સાધારણ માણસ હોય બધા ભયભીત બની જાય.હુ પણ ગભરાઈ ગયો હતો પણ મે હનુમાનજી મહારાજ્ને પ્રાર્થના કરી અને તેમણે સાંભળી હોય એમ એમ આગ તરત જ કાબૂમાં આવી ગઈ....આમ જણાવતી વેળા તેમની આંખમાંથી આંસુ ટપકી પડયા હતા(દિવ્ય ભાસકર તા.4-2-2006 સૌરાષ્ટ્ર આવૃતી)
બોલો, આ કથાકાર કેવા દંભી છે,તેમના કહેવાથી જો હનુમાનજી આગ કાબૂમાં લઈ શકતા હોય તો એક એવી પણ હનુમાનજી ને પ્રાર્થના કરો કે આ ગરીબ માણસોને જેને એક ટ'ક ખાવા પણ નથી મળતુ તેને મળતુ થય જાય.
ગુજરાત સમાચાઅર તારીખ 8-2-2006 ના 13 માં પાને એક ફોટો છે જેમાં ઉતર પ્રદેશ ના કુશીગઢ ના લોકો જમવાનુ નથી મળતુ એટલે ઉંદર શેકી ને ખાય છે.
અને આ કથામાં જે રીતે તે પૈસાનુ પ્રદર્શન કરે છે તે જોઈ ને એમ થાય છે કે આવા લોકોને ફાંસી એ લટકાવી દેવા જોઈ એ, સાધારણ માણસ ને બેસવાનુ અલગ પૈસાદારો માટે વીઆઈપી જગ્યા,જે જમણ કરે છે તેમાં પણ સાધારણ વ્યકિત માટે અલગ પૈસાદારો માટે અલગ.
ખરેખર આણે હિંદુ ધર્મને મઝાક જેવો બનાવી દીધો છે અને આવુ જોઈ ને થાય છે કે આવા લોકોની કથા માં જાવા કરતા તો મુંબઈ ના કોઠા માં જે નાચવાળી છે તેની પાસે જાવુ સારુ કારણ કે આ નાચવાળી ને પણ ક'ઈ સિધ્ધાંત તો છે આને તો એક પણ સિધ્ધાંત નથી.
લોકોને પણ આવા નાટકીયા દંભી અને રંડુળીયા જેવા ગમે છે જાવા દયો આપણા લોકો આને જ લાયક છે.
થોભ્યાનો થાક
ભટકી ભટકીને મારા થાક્યાં છે પાય
હવે પંથ મારો ચાલે તો ચાલુ :
પોપચાં બિડાય ત્યારે ખૂંચે અંધાર
અને ઊઘડે ત્યાં સળગે અજવાળું
વેદનાનું નામ કયાંય હોય નહીં એમ જાણે
વેરી દઉં હોશભેર વાત ;
જંપ નહીં જીવને આ એનો અજંપો
ને ચૈનથી બેચેન થાય રાત.
અટકે જો આંસુ તો ખટકે ; ને લ્હાય મને
થીજેલાં બિંદુઓ જો ખાળું !
સોસવાતો જાઉં છું સંગના વેરાનમાં
ને મારે એકાંત હું અવાક ;
આઘે જવાના કોઈ ઓરતા નહીં ને અહીં
થોભ્યાનો લાગે છે થાક .
આંખડીના પાણીને રોકી રોકીને, કહો-
કેમ કરી સિમ્તને સંભાળું ?
-કવિ સુરેશ દલાલ

Sunday, February 05, 2006

where is - કયાં છે

વસંત ઋતુ નું આગમન થઈ ગયું છે અને કેશુડા ના ઝાડ માં કેશરી રંગના ફુલો પોતાની આગવી છટાથી ખીલી રહ્યા છે અને હ્વે તો ખાખરના ઝાડ પણ કોઈએ રહેવા દીધા નથી પણ ક્યાંક ક્યાંક બચી ગયા છે તેને જોઈને થાય છે કે આવતા વર્ષે જે હું ઝાડ જોઈ રહ્યો છું તે બચશે કે નહી તેની કોઈ ખબર નથી કારણ કે દરેક ખેડુત જમીન ના લોભમાં પોતાના ખેતર ને શેઢે એક પણ ઝાડવું રોપતો નથી અને જે છે એને પણ કાઢી નાખે છે કારણ કે તે એમ માને છે કે એક ઝાડ્વું જે જ્ગ્યા રોકે છે તેમાં ત્રણ માંડવીના છોડવા ઉગાડી શકાય એટલે હવે તો અમારા પોરબંદર વિસ્તારમાં ગામડામાં જાયે તો જાણે આપણે કચ્છમાં આવી ગયા હોય તેમ લાગે છે,ગાયો ની ચરવાની જગ્યા જે ગૌચર કહેવાતુ એ પણ બચ્યું નથી જમીન ના લોભમાં તેને પણ ખેડી નાખી છે.
છતાં કયાંક ક્યાંક ઝાડવા બચ્યા છે તેની પાસે જઈને હાથ ફેરવી કહું છું ; આતા હેવ કાંઉ કરવું ,આ મનખાના મેરામાં કાં જણમ લીધો,આ બંથાય દોઢીયા વાહે હડી મેલે સે,ઈ'માં મારુ ને તારુ કા'ઈ નેત રેવા'નુ,હેવ તે'તો દી કા'ઢે નાયખા હે'વ હુ ય કાઢે નાખું.

કયાં છે ?
જાંબુડાના ઝાડ ઉપર લટકતો
લીલો લીલો મારો સૂરજ કયાં છે ?
ક્યાં છે મારા ખેતરખૂણાના કૂવામાં
કબૂતરાંની પાંખો ઉપર સૂતેલો
ભોળો ભોળો અંધકાર ?

પ્રભાતપંખીનાં પગલાની લિપિમાં
આળખેલો
ડુંગર ફરતો ,ચકરાતો એ ચીલો કયાં છે ?
કયાં છે મારી પથ્થર વચ્ચે
પાણી લઈને વહેતી
શમણા જેવી નદી ?

વનપરીના નાનકડા ખોબા જેવી
તરંગની આંગળીઓ વચ્ચે
પવન રમાડતી
પેલી મારી તલાવડી કયાં છે ?

કયાં છે મારું ટેકરીઓનું ગામ,
ગામનું ઘર,ઘરની કોઢ,કોઢમાં
અંધારાની કાળી ગાયને દહોતી મારી બા ?
કયાં છે.......
-કવિ જયન્ત પાઠક
My Photo
Name:
Location: porbandar, gujarat, India

live in india and working athletic coach.આપણી ગુજરાતી ભાષા ના કાવ્ય અને લેખો લોકો વાઁચી શકે અને ગુજરાતી ભાષા પ્રત્યે લોકો ની રુચી વધે તે માટે આ વિભાગ શરુ કરવામા આવ્યો છે અને મને આશા છે કે આપને પણ ગમશે અને ભાષા હશે તો સંસ્ક્રૃતિ ટકશે "ભાષા જાશે તો સઁસ્ક્રુતી પણ જાશે અને જો ભાષા રહેશે તો સંસ્ક્રૃતિ પણ રહેશે" તો ચાલો આપણે આપણી ભાષા નો પ્રચાર કરીએ અને કહીયે કે "મને મારી ભાષા ગમે છે કારણ કે હુ મારી માને મા કહી શકુ છુ"

Page copy protected against web site content infringement by Copyscape View blog authority
 
Locations of visitors to this page Free Website Counters
Free Website Counters