Tuesday, September 04, 2007

janmashatami - જનમાષ્ટમી


આજે જન્માષ્ટમી છે અને રાત્રિના 12.22 થયા છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થઈ ચૂક્યો છે.આ નિમિતે સુરેશ દલાલ નુ કાવ્ય અહીં પ્રસ્તુત કરુ છું.
શ્યામ મારો આ કોરો કાગળ
એમાં દોરો તમે કુંડળી
અને કહો કે મળશું ક્યારે ?
કૈં કેટલા ઘોંઘાટના અહી ઘૂંઘટપટ રે ઢળ્યા
એને તમે કહો ખોલશો ક્યારે ?
રાહુ ચંદ્ર્ને ગળી જાય તો
તમે ઝૂલશો મારે માથે
શરદપૂનમનું આભ થઈને
એવું વચન તો આપો.
સૂર્ય, ગુરુ કે કેતુ મંગળ :
અમને કાંઈ સમજ નહીં.
ગ્રહો વિરહના ટળશે
એવું આશ્વાસન તો આપો.
એક એક આ ઘરમાં મૂકો વાંસળીઓના સૂર
અને બળવાન શુક્રને કરો.
મોરપિચ્છને ધારી માધવ દર્શન દેશો ક્યારે ?
-તમે અમારું ભાવિ કહેશો ક્યારે ?
શ્યામ તમે પણ સાંચુ કહેજો
તમને પણ અમને મળવાનું
મન કદીયે થા'ય ખરુ કે નહીં ?
અમે તમારી આગળપાછળ
આમતેમ બસ ભટક્યા કરીએ
તમને પણ ક્યાંક ઊભા રહીને
આંખોમાં આંખો રોપીને
માનમલાજો મર્યાદાને લોપી દઈને
ગોપીનાં આ લોચનને જલ ડૂબી જવાનું
મન કદીયે થાય ખરુ કે નહીં ?
શ્યામ તમારી સાથે મારે
ક્યા જનમની સગાઈ થઈ છે
ને ક્યા જનમમાં સગપણ ફળશે
રે, ક્યાં લગી આ જીવ ટ્ળવળશે
--મને કૈં કહેશો ક્યારે ?
--કવિ સુરેશ દલાલ

જનમાષ્ટમી ની શુભેચ્છા સર્વને
જ્ય કનૈયાલાલ કી,શ્રીકૃષ્ણ શરણં મંમ: