Tuesday, September 04, 2007

janmashatami - જનમાષ્ટમી


આજે જન્માષ્ટમી છે અને રાત્રિના 12.22 થયા છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થઈ ચૂક્યો છે.આ નિમિતે સુરેશ દલાલ નુ કાવ્ય અહીં પ્રસ્તુત કરુ છું.
શ્યામ મારો આ કોરો કાગળ
એમાં દોરો તમે કુંડળી
અને કહો કે મળશું ક્યારે ?
કૈં કેટલા ઘોંઘાટના અહી ઘૂંઘટપટ રે ઢળ્યા
એને તમે કહો ખોલશો ક્યારે ?
રાહુ ચંદ્ર્ને ગળી જાય તો
તમે ઝૂલશો મારે માથે
શરદપૂનમનું આભ થઈને
એવું વચન તો આપો.
સૂર્ય, ગુરુ કે કેતુ મંગળ :
અમને કાંઈ સમજ નહીં.
ગ્રહો વિરહના ટળશે
એવું આશ્વાસન તો આપો.
એક એક આ ઘરમાં મૂકો વાંસળીઓના સૂર
અને બળવાન શુક્રને કરો.
મોરપિચ્છને ધારી માધવ દર્શન દેશો ક્યારે ?
-તમે અમારું ભાવિ કહેશો ક્યારે ?
શ્યામ તમે પણ સાંચુ કહેજો
તમને પણ અમને મળવાનું
મન કદીયે થા'ય ખરુ કે નહીં ?
અમે તમારી આગળપાછળ
આમતેમ બસ ભટક્યા કરીએ
તમને પણ ક્યાંક ઊભા રહીને
આંખોમાં આંખો રોપીને
માનમલાજો મર્યાદાને લોપી દઈને
ગોપીનાં આ લોચનને જલ ડૂબી જવાનું
મન કદીયે થાય ખરુ કે નહીં ?
શ્યામ તમારી સાથે મારે
ક્યા જનમની સગાઈ થઈ છે
ને ક્યા જનમમાં સગપણ ફળશે
રે, ક્યાં લગી આ જીવ ટ્ળવળશે
--મને કૈં કહેશો ક્યારે ?
--કવિ સુરેશ દલાલ

જનમાષ્ટમી ની શુભેચ્છા સર્વને
જ્ય કનૈયાલાલ કી,શ્રીકૃષ્ણ શરણં મંમ:

Friday, August 31, 2007

self perception - સ્વ બોધ

31/8/2007 શ્રાવણ વદ 3/4 શુક્રવાર.

આ વર્ષે ખુબ જ વરસાદ પડયો છે અને આજે પણ વરસાદ ચાલું જ છે ચારે બાજુ વેંકરા ભરપૂર ચાલ્યા જાય છે અને જે પાણીની અછત હતી તે દૂર થઈ ગઈ એમ લાગે છે પણ જેવો શિયાળો આવશે ત્યાં જ પાછી પાણી ની મોંકાણ, જો આજે જે પાણી નકાંમુ વહી જાય છે તે જો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવે તો કોઈ દીવસ પાણી ની સમસ્યા ન રહે પણ કરે કોણ ? સરકાર જે નાના ચેક ડેમ બાંધે છે તે તો ફકત કાગળ ઉપર હોય છે અને જે બંધાય છે તેમાંથી 99% એટલા હલકી જાતના બનાવે છે કે તે પહેંલા વરસાદમાં જ તૂટી જાય છે, અને ગામનાં લોકો ને કોઈ રસ હોતો નથી કારણ કે જો બોલે તો જે બનાવવાળા રાજકિય પક્ષના કુતરાઓ તેને પીંખી નાખે એટલે ઉછીની સુરી કોણ લે ? એટલે સહન કરતુ જાવાનું કારણ કે આપણ ને દેશમાં સારા 542 સંસદ સભ્યો કે 182 ધારાસભ્યો(ગુજરાત) કે 42 નગરપાલિકા(પોરબંદર) સભ્યો પણ મળતાં નથી એક મહેન્દ્ર મશરુ ધારાસભ્ય તરીકે સારો હતો પણ એ પણ હમણાં એની જમાતમાં ભળી ગયો( ગેરકાયેદસર દારુ વેચવાળા ને સાથ આપી). આપણા દુર્ભાગ્ય કે નથી આપણ ને સ્તાલીન,માઓ,હિટલર કે ચર્ચિલ જેવા નેતા મળે કે જેથી આ કજાત નેતાઓ ને શુળી ઉપર ચડાવે.

સ્વબોધ.

આપણે આપણી રીતે રહેવું :
ખડક થવું હોય તો ખડક : નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !
ફૂલની જેવું ખૂલવું
અને ડાળની ઉપર ઝૂલવું,
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રુપ ભૂલવું.
મૂંગા થઈને સહેવું અને કહેંવું હોય તો પંખીની જેમ કહેવું !
ખડક થવું હોય તો ખડક : નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !
પગલાં ભૂસી ચાલતા થવું
પંથની ઉપર મ્હાલતા જવું.
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા જવું.
લેવુંદેવું કાંઈ કશું નહીં : કેવળ હોવું : એ જ તો રહેવું :
ખડક થવું હોય તો ખડક : નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !
- કવિ સુરેશ દલાલ



Tuesday, May 15, 2007

વિદાય - given send-off

કવિ જગદીશ જોષી આપણી ગુજરાતી ભાષાનાં આભુષણ હતાં અને જયંત પાઠકે તો તેમની ઊંચાઈ જોઈ એને ગુજરાતી કવિતાનો "લોંગ ફેલો" કહેતા હતા.આવો આપણો જગદીશ 21 દિવસ કોમામાં રહીને આપણને છોડી જતો રહ્યો પરંતુ તેમની કવિતા હમેંશા જીવતી રહેશે. કવિ જગદીશ જોષીની રચના "વિદાય" પ્રસ્તુત કરું છું.

વિદાય ?

આંગળીએ ફરકી કહ્યું 'આવજો' ને તોય અહીં આંસુ કેમ ટપક્યું રે આંખથી ?
હોઠેથી ચપટું એક ખરી ગયું સ્મિત અને અમળાયું મૌન મારા શ્વાસથી !
પારેવાની પાંખ પરે અક્ષર આંકીને આછો
સંદેશો કહાવે તણખલું ;
એકાંતે અટવાતું સાંભળે ન તાડ, છતાં
આભ શાને છ્ળતું આછકલું....
પાદરની પરસાળે બેસીને મોરલો ચીતરતો ટોડલાને ચાંચથી ;
આંગળીએ ફરકી કહ્યું 'આવજો' ને તોય અહીં આંસુ કેમ ટપક્યું રે આખથી ?
ભીની આ લ્હેરખીને વીંધીને વહી ગઈ
ફૂલોની ફોરમતી ચેતના ;
કોકિલના કંઠે કાં વ્હેતી મૂકી છે આજ
વણસેલી વાંસતી વેદના ?
લીમડાની ડાળીઓની વચ્ચેથી મોગરાનું ખરતું મે ફૂલ જોયું ક્યાંકથી !
આંગળીએ ફરકી કહ્યું 'આવજો' ને તોય અહીં આંસુ કેમ ટપક્યું રે આંખથી ?

--કવિ જગદીશ જોષી.


Sunday, February 25, 2007

broken love - નિષ્ફળ પ્રેમ

પ્રેમની નિષ્ફળતા વિશે "સુરેશ દલાલ" કહે છે ;

વર્ષો પહેલાંની વાત છે.
એક વાર મેં ભરબપોરે
તારી સાથે પ્રેમનો એકરાર કર્યો હતો.
મને તો મળ્યું હતું કેવળ સ્મિત
તારી સંમતિના પ્રતીક જેવું.
પછી તો સાંજ પાછી સાંજ
આપણે હળતાં રહ્યાં, મળતાં રહ્યાં
એકમેકમાં ઓગળતાં ગયાં
નદીનો કાંઠો, લીલુંછમ ઘાસ
સરોવરમાં તરતા હંસ
ડામરની કાળી સડક
સડક પરથી પસાર થતાં
વાહનો
બધું જ આપણને ચિક્કાર
ગમતું હતું
આપણી હથેળીમાં
જાણે કે આખું વિશ્વ.
હવે હથેળીમા જોંઉ છું
તો દેખાય છે માત્ર
આડીઅવળી હસ્તરેખાઓ
અને એમાં ખોવાઈ ગયેલી તું
એકલો રહેલો હું.
તું તુંના બંને કાંઠાની વચ્ચે
નદી સુકાઈ ગઈ છે
અને ઘાસ પીળું પડી ગયું છે.
--સુરેશ દલાલ ( હયાતીના હસ્તાક્ષર )



Tuesday, January 23, 2007

vasant panchami - વસંત પચંમી

આજે વસંત પચંમી છે અને આમય આપણે પ્રકુતિ પ્રત્યે એટલી લાગણી નથી કે વગડામાં જઈ એનું સૌંદર્ય જોઈએ, હા,આપણા માટે વસંત પચંમી એટલે લગ્નમાં જાવાની ઋતુ.
કવિ જયંત પાઠક ના કાવ્ય નો આનંદ માણીએ અને થોડાક માણસ થાઈ એ.

વસંત

વાયા વસંતપવનો વનમાં, દ્રુમોની
કાયા થકી પરણ-ચૂંદડીઓ ઉડાડી ;
શી સોહતી ફૂલથી અંગકલા ઉઘાડી !
સૌ રંગમાં, શરમ રાખતું કોણ કોની ?

ફૂલે ફૂલે ભ્રમરટોળી ભમંત ધૃષ્ટ
એકેય અંગ નહી અંગથી રહે અસ્પૃષ્ટ ;
ઊડે ઘટામહીંથી પંચમનો પરાગ ;
ને રોમરોમ ઊઠી ખાખરાઅંગ આગ.

વાયા વસંતપવનો જનમાં, અનંગે
પ્રત્યેક પુષ્પશર તીણું બનાવી તાક્યું ;
વીંધાઈને જ રમવાનું સુરકત રંગે
રહેતું રખે ટીપુંય મોદતણું અચાખ્યું !

વીતી શિશિર પણ આગળ છે ઉનાળો
તો ચાલ, બાંધી લઈએ પ્રિય એક માળો.
-કવિ જયંત પાઠક


Monday, January 08, 2007

game - રમત

રમત

પંખી પંખી રમવાની
રમત પૂરી થઈ ગઈ--
જ્યારે ટાઈપરાઈટરનો કકળાટ
શરુ થઈ ગયો,
કુત્રિમ ઉપગ્રહ જેવી મિત્રતા
ઘૂમરાવા લાગી,
દરિયો આપણને બોસ તરીકે
ઘૂરીકીને જોવા લાગ્યો,
લિફટના દરવાજામાં આવેગો પુરાઈ ગયાં,
આપણી નસોનાં એરકન્ડિશન્ડ નિરાશઓ
કરડવા માંડી,
અવિશ્વાસની આંખોમાં ઓઈંટ્મેંટ
લગાડવું પડયું,
વિશ્વાસના ચહેરા ઉપર
આર્દ્રતાનો સમય ઉગાડવો પડયો,
સ્નેહમિલનોની વિધિ
આપણા મગજની નસોને
ખોતરવા માંડી,
અને હા,
જ્યારે આપણું શરીર
કોલ્ડ-સ્ટોરેજ જેવું
થઈ ગયું,
ત્યારે પંખી પંખી
રમવાની રમત
પૂરી થઈ ગઈ.
-કવિ મધુ કોઠારી