Sunday, June 19, 2005

if in this way-આમ તો

આજે રવિવાર છે અને આકાશમા વરસાદી વાદળા છવાઈ ગયા છે અને વાતાવરણ પણ વરસાદી થઈ ગયુ છે ત્યારે કવિ વિપિન પરીખ નું કાવ્ય યાદ આવી ગયુ જેમાં તેણે કહ્યું છે કે :

આમ તો
*********
આમ તો ખૂબ સહેલી વાત છે જળથી ભીના થવું
પણ
ધોધમાર આષાઢને દિવસે
અનેક લોકો વસ્ત્ર સાચવતા છત નીચે ઊભા રહે ત્યારે
માર્ગ ઉપરથી બધીયે આંખોને વટાવી
ભીના થતાંથતાં ચાલી જવું
થોડીક હિંમત માગી લે છે.
આમ તો ખૂબ સહેલું છે એક ફુલને હાથમાં રમાડવું
પણ
રવિવારની સાંજે બાગમાં ગપ્પાં મારતાં લોકો બેઠા હોય ત્યારે
એક ફુલની પાંખડી સાથે અંગત વાતો કરવી
થોડીક હિંમત માગી લે છે.
બાળક સાથે રમવું એ કંઈ મોટી વાત નથી.
પણ
આપણા નામની આસપાસ
કીર્તિનું સોનું ગૂંથાઈ જાય પછી
ફરી પાછા નાનકડા થઈ રમતમાં ભૂલા પડવું
થોડીક હિંમત માગી લે છે.
આમ તો સહેલી છે મૃત્યની વાતો કરવી વિરકત થઈને
પણ
રાત્રિની સ્તબ્ધતામાં એના આગમનના પડઘા
આપણા ઘર ભણી આવતા લાગે તે પછી પણ
હસતાં રહેવું
થોડીક હિંમત માગી લે છે.
=કવિ વિપિન પરીખ

Thursday, June 09, 2005

till to relative-સ્વજન સુધી

જ્યારે કોઈ આપણાથી દુર થઈ જાય છે જેને આપણા જીવનનો એક ભાગ માનતા હોય છે ત્યારે ન સહેવા જેવુ જીવન થઈ જાય છે. કવિ ગની દહીવાલા કહે છે તેમ :

સ્વજન સુધી
************

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરુર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હદયની આગ વધી 'ગની', તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
= કવિ ગની દહીંવાલા

Tuesday, June 07, 2005

someone's seeing-નજરું લાગી

જીવનમાં ઘણીવાર કોઈકની મીઠી નજરુ લાગી જાય છે ત્યારે જીવન ધન્ય થઈ જાય છે તો આજે આપણા ગુજરાતી સાહિત્યના કવિ હરીન્દ્ર દવે શું કહે છે તે જોઈએ.

નજરું લાગી
************
સોળ સજી શણગાર
ગયાં જ્યાં જરીક ઘરની બહાર,
અમોને નજરું લાગી !
બે પાંપણની વચ્ચેથી
એક સરકી આવી સાપણ
ડંખી ગઈ વરણાગી.
કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો,
હવે ન ઊખડયો જાય,થાળીને વળગી બેઠો સીધો,
આવા ન્હોય ઉતાર
નજરના આમ ન તૂટે તાર
અમોને નજરું લાગી !
તેલ તણી લઈ વાટ અમે દીવાલ ઉપર જઈ ફેંકી,
ખીલી સમ ખોડાઈ ગઈ ત્યાં નવ વાંકી નવ ચૂંકી,
જડને યે આ સૂઝ
તો રહેવું કેમ કરી અણબૂઝ
અમોને નજરું લાગી !
સાત વખત સૂકાં મરચાંનો શિરથી કર્યો ઉતાર,
આગ મહીં હોમ્યાં ત્યાં તો કૈં વધતો ચાલ્યો ભાર,
જલતાં તોય ન વાસ
અમોને કેમ ન લાગે પાસ ?
અમોને નજરું લાગી !
ભૂવો કહે ના કામ અમારું નજર આકરી કો'ક,
ટુચકા તરહ તરહ અજમાવી થાકયાં સઘળાં લોક,
ચિત ન ચોંટે કયાંય
હવે તો રહ્યુંસહ્યું ના જાય,
અમોને નજરું લાગી !
'લ્યો, નજરું વાળી લઉં પાંછી' એમ કહી કો' આવ્યું,
નજરું પાછી નહીં મળે આ દરદ હવે મનભાવ્યું,
હવે નજરનો ભાર
જીવનનો થઈ બેઠો આધાર.
અમોને નજરું લાગી !
= કવિ હરીન્દ્ર દવે


Friday, June 03, 2005

you-તમે ટહુકયા

ઘ્ણી વખત જીવનમાં પ્રેમનો દુષ્કાળ હોય છે ત્યારે કોઈ'ક અચાંનક મળી જાય ત્યારે એમ થાય છે "હા આજ મારો અડધો ભાગ છે" જેને હુ વર્ષોથી શોધતો હતો અને ત્યારે શું થાય છે ? તો કવિ ભીખુભાઈ કપોડિયા ના શબ્દો મં કહીએ તો...........

તમે ટહુકયા ને......
*****************
તમે ટહુકયા ને આભ મને ઓછું પડયું......
ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારું ઝોલે ચડયું.....
લીલી તે કુંજ્માંથી આવ્યા બે બોલ
જેમ ઊજળી કો' સારસની જોડ,
પાંખનો હેલાર લઈ પાંપણિયે, ઉર માંરું
વાંસળીની જોડ માંડે હોડ.
તરસ્યાં હરણાંની તમે પરખી આરત
ગીત છોડયું કે કુંજમાંથી ઝરણું દડયું......
મોરનાં તે પીછાંમાં વગડાની આંખ લઈ
નીરખું નીરખું ન કોઈ કયાંય,
એવી વનરાઈ હવે ફાલી
સોનલ કયાંક તડકાની લ્હાય નહીં ઝાંય
રમતીલી લ્હેરખીને મારગ ન કયાં...ય
વન આખું લીલેરા બોલે મઢ્યું.......

=કવિ ભીખુભાઈ કપોડિયા

Thursday, June 02, 2005

one questions paper-એક પ્રશ્નપત્ર

જીવનમાં કેટલાક પ્રશ્ન એવા હોય છે કે જેના ઉતર હોતા નથી અથવા તો અમુક પ્રશ્ન જ એવા હોય છે જે ખરેખર ઉતર હોય છે અને અમુક ઉતર જ પ્રશ્ન હોય છે.
આજે અમારા પોરબંદર શહેરની સરકારી લાયબ્રેરીમાંથી એક સુંદર મજાની કવિતાનુ પુસ્તક વાંચતા કવિ ઉદયન ઠ્ક્કર ની કવિતા વાંચવા મળી જે હું આપની સમક્ષ મુકુ છું જે આપને ગમશે એવી મને આશા છે.
એક પ્રશ્નપત્ર
**************
1. હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો.
2. અને આમ તો તમે ય મારી વાટ જુઓ છો,
કેમ, ખરું ને........
"હા" કે "ના"માં જવાબ આપો.
3. (આવ, હવે તો ભાદરવો વરસાદ થઈને આવ, મને પલળાવ ! )
કૌંસમાં લખ્યા પ્રમાણે કરો.
4. નાની પ્યાલી ગટગતટ પીને ટાઢા પેટે હાથ ફેરવી હું તો જાણે બેઠો'તો ત્યાં તમને જોયાં. તમને જોઈ તરસ્યો તરસ્યો તરસ્યો થ્યો છું
:રસ-આસ્વાદ કરાવો.
5. શ્વાસોચ્છવાસો કોના માટે ? કારણ પૂરાં પાડો.
6. છેકાછેકી બને તેટલી ઓછી કરવી.
(સાફસૂથરો કોરોકટ બસ તને મળ્યો છું)
7. "તમને હું ચાહું છું, ચાહીશ, "કોણે,કયારે,કોને,આવી પંક્તિ(નથી)કહી ?
8. હવે ખુલાસો. આ લો મારું નામ લખ્યું કાગળ પર, તેને ચૂમો. નહિતર કેંન્સ્લ વ્હોટ ઈઝ
નોટ એપ્લીકેબલ.

=કવિ ઉદયન ઠક્કર