પ્રેમની નિષ્ફળતા વિશે "સુરેશ દલાલ" કહે છે ;
વર્ષો પહેલાંની વાત છે.
એક વાર મેં ભરબપોરે
તારી સાથે પ્રેમનો એકરાર કર્યો હતો.
મને તો મળ્યું હતું કેવળ સ્મિત
તારી સંમતિના પ્રતીક જેવું.
પછી તો સાંજ પાછી સાંજ
આપણે હળતાં રહ્યાં, મળતાં રહ્યાં
એકમેકમાં ઓગળતાં ગયાં
નદીનો કાંઠો, લીલુંછમ ઘાસ
સરોવરમાં તરતા હંસ
ડામરની કાળી સડક
સડક પરથી પસાર થતાં
વાહનો
બધું જ આપણને ચિક્કાર
ગમતું હતું
આપણી હથેળીમાં
જાણે કે આખું વિશ્વ.
હવે હથેળીમા જોંઉ છું
તો દેખાય છે માત્ર
આડીઅવળી હસ્તરેખાઓ
અને એમાં ખોવાઈ ગયેલી તું
એકલો રહેલો હું.
તું તુંના બંને કાંઠાની વચ્ચે
નદી સુકાઈ ગઈ છે
અને ઘાસ પીળું પડી ગયું છે.
--સુરેશ દલાલ ( હયાતીના હસ્તાક્ષર )