કવિ જગદીશ જોષી આપણી ગુજરાતી ભાષાનાં આભુષણ હતાં અને જયંત પાઠકે તો તેમની ઊંચાઈ જોઈ એને ગુજરાતી કવિતાનો "લોંગ ફેલો" કહેતા હતા.આવો આપણો જગદીશ 21 દિવસ કોમામાં રહીને આપણને છોડી જતો રહ્યો પરંતુ તેમની કવિતા હમેંશા જીવતી રહેશે. કવિ જગદીશ જોષીની રચના "વિદાય" પ્રસ્તુત કરું છું.
વિદાય ?
આંગળીએ ફરકી કહ્યું 'આવજો' ને તોય અહીં આંસુ કેમ ટપક્યું રે આંખથી ?
હોઠેથી ચપટું એક ખરી ગયું સ્મિત અને અમળાયું મૌન મારા શ્વાસથી !
પારેવાની પાંખ પરે અક્ષર આંકીને આછો
સંદેશો કહાવે તણખલું ;
એકાંતે અટવાતું સાંભળે ન તાડ, છતાં
આભ શાને છ્ળતું આછકલું....
પાદરની પરસાળે બેસીને મોરલો ચીતરતો ટોડલાને ચાંચથી ;
આંગળીએ ફરકી કહ્યું 'આવજો' ને તોય અહીં આંસુ કેમ ટપક્યું રે આખથી ?
ભીની આ લ્હેરખીને વીંધીને વહી ગઈ
ફૂલોની ફોરમતી ચેતના ;
કોકિલના કંઠે કાં વ્હેતી મૂકી છે આજ
વણસેલી વાંસતી વેદના ?
લીમડાની ડાળીઓની વચ્ચેથી મોગરાનું ખરતું મે ફૂલ જોયું ક્યાંકથી !
આંગળીએ ફરકી કહ્યું 'આવજો' ને તોય અહીં આંસુ કેમ ટપક્યું રે આંખથી ?
--કવિ જગદીશ જોષી.