Wednesday, May 17, 2006

Gujarati Poet Ramesh parekh passes away-રમેશ પારેખ


આજે બપોરના 11 વાગ્યે ગુજરાતી કવિતા નો આત્મા "રમેશ
પારેખે આપણી વચ્ચેથી વિદાય લીધી છે, તેમનુ અવસાન થવાથી ગુજરાતી કવિતા એક
અમુલ્ય રતન ગુમાવ્યુ છે.

રમેશ પારેખે કવિતામાં લોક બોલીના શબ્દો મુકીને
લોકોને ગાતા કરી દીધા છે, રમેશભાઈ તમે ભલે અમને મૂકી ચાલ્યા ગયા પરંતુ અમે
હમેંશા તમને યાદ કરીશું.



એક છોકરો + એક છોકરી + કંઈક બીજું ?

એક છોકરાએ સિટ્ટિનો હીંચકો બનાવી એક છોકરીને કીંધું : 'લે ઝૂલ'
છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને
સોનેરી ચોકલેટ કાઢી રે.

છોકરીની આંખમાંથી સસલીનાં ટોળાએ,
ફેંકી ચિઠ્ઠીઓ અષાઢી રે.
સીધી લીટીનો સાવ છોકરો ને પલળ્યો તો બની ગયો બેત્રણ વર્તુલ,

છોકરીને શું ? એ તો ઝૂલી,
તે પછી એને ઘેર જતાં થયું સહેજ મોડું રે.
જે કાંઈ થયું એ તો છોકરાને થયું,
એના સાનભાન ચરી ગયું ઘોડું રે
બાપાની પેઢીએ બેસી તે ચોપડામાં રોજ રોજ ચીતરતો ફૂલ.

- કવિ રમેશ પારેખ.


Technorati Tags: ,


Saturday, April 29, 2006

only i can do - આટલું જ થઈ શકે એમ લાગે છે.

આટલું જ થઈ શકે એમ લાગે છે.

પ્રેમને અમે જોયો નથી,એના વિશે સાંભળ્યું છે ઘણું.
પ્રેમ કેવો હશે ?
ગુલાબી ? લીલોછમ ? કેસરી ? મધ જેવો મીઠો ? ચંચળ ઝરણા-શો ?
સુરીલો ? સુંવાળો ? રુપાળો ? હસમુખો ?
હશે તો ખરો જ કોઈક રીતે કોડીલો ને કામણગારો !
શી રીતે અમે એની પગની પાનીને અડી શકીએ ?
શી રીતે એને પકડી શકાય સ્વપ્નના દોરથી ?
કહે છે કે પ્રેમ તો કાંટામાંય દેખાડે ગુલાબો ;
પહાડોય અધ્ધર કરી આપે પલકમાં ;
હશે......
પણ અમારી સરહદમાં તો છે નર્યા કાંટા, નર્યા પહાડ.
કંઈ કાળથી કરીએ છીએ પ્રતીક્ષા કોઈક પ્રેમ-નામી જણની,
પણ નિષ્ફળ.
હાથણી થાકી ગઈ ભર્યોભર્યો કળશ ઉપાડીને.
નાખી નજર પહોંચે ત્યાં સુધી જોઉ છું, મને લંબાવીને,
મને નખશિખ ખંખેરીનેય જોંઉ છું ;
કયાંક એકાદ ગુલાબની કળીયે શેની જડે ?
આ ખારો પટ, આ ખાલીપો, આ ખવાયેલાં ખોરડાં,
આ તૂટેલા રસ્તા ને ઊખડેલા ઉંબર,
ભવની ભવાઈની આ ભોપાળા-શી ભટકણો,
આ અંધાપાની અટકણો.
--અમારા એકએક ટેકા હતા અંદરથી સડેલા,
અમારી અડીખમતા વસ્તુત: હતી બિનપાયાદાર,
અમે કોની વચ્ચે રહ્યા આજ લગી
ને કોને માન્યાં અમે અમારા જણ ?
અમારા પીંજરામાં મેના નહોતી, ને મેના નહોતી તો શું હતું ?
ગઢના કાંગરા ખરતા જાય છે,
તડકાય ટાઢા લાગે છે ;
ને પેલી હથેલીઓની ઉષ્માભરી વાત ?
ભાઈ,શેખચલ્લી, નરી શેખચલ્લી.
અમને જુઓ તો ખરા,જરા નજીકથી જુઓ :
કાંટાળા છીએ,એકલા છીએ, થોર છીએ !
અમે તૈયાર છીએ ઘુવડનેય માટે,
ભલે ને આવે અહીં ભેંકારતાનું પોટલું લઈને.
અમે હવે શું ઊંઘવાના હતા ?
વળી વળીને ગાંઠ વળી જાય્ છે શ્વાસની.
અમારાથી સપનાંય બનાવી શકતાં નથી મનગમતાં,
અમને સખત લાગે છે અમારા હોવાની ગૂંગળામણ,
આપ અમને મદદ ન કરો ?
આ જીર્ણ કોટની થોડી ઈંટો ન ખેંચી આપો ?
અમારા પવિત્ર દિવસોમાંથી,
થોડાં આપ કપાવી ન આપો ?
અમને એક પ્યાલી તાજી હવા તો પિવડાવો,ભલા !
પ્રેમ ભલે ન અપાય, થોડું આશ્વાસન....થોડુંક....
નહીં,આશ્વાસન પણ શા માટે ?
થોડુંક મીઠું મીઠું મોત....હૂંફાળું હૂંફાળું મોત....
તાજી હવામાં ભેળવીને આપી શકાય એવું,
થોડુંક સરસ મધમધતું મોત.....
અમે સમજી ગયા છીએ ટૂંકાણમાં કે
અમારે કોઈનીય સાથે હાથ મિલાવ્યા વગર,
પૂરી અદબ સાથે,
આપનો લાડકો પ્રેમ જરાય નારાજ ન થાય એમ,
સમજપૂર્વક, શાંતિથી અહીંથી ચાલ્યા જવાનું છે....
ને જવાબદાર સદગૃહસ્થ તરીકે અમે આપને
વિશ્વાસ આપીએ છીએ,
અમે એમ જ કરશું ;
કેમ કે અમારાથી હવે આટલું જ થઈ શકે,
એમ અમને હાડોહાડ લાગે છે.
-
કવિ ચંદ્રકાંત શેઠ.



Sunday, April 23, 2006

we - આપણે આવી રીતે

આપણે આવી રીતે.........

આપણે આવી રીતે છૂટા નહોતું પડવું જોઈતું, વિભા.
ટ્રેન તો બીજી પણ આવત,
ને સાંજ તો બીજી પણ પડત,
ને સ્ટેશન તો બીજું પણ મળત.
ને અમેરિકા તો બીજો પણ શોધાત.
પાછા ફરતાં જોયું તો મારા નગરમાં,
ઠેર ઠેર પર્વતો ઊગી નીકળ્યા છે,
રસ્તાઓ નદીઓ બનીને વહેવા લાગ્યા છે,
'બસ થોબો'ના થાંભલાઓ કાંટાળાં ઝાડ બની ગયા છે,
લારી ખેંચતી મારવાડણોના સ્તનો,
સફરજન બનીને લટકી રહ્યાં છે ;
ઘોર અરણ્ય વચ્ચે હું સર્યો જાઉં છું,વિભા,
કર્કોટકની શોધમાં ભમું છું.
બાહુક બનવાનાં સ્વપ્નો સાથે રમું છું,
મને કોઈ કહેતાં કોઈ ઓળખી ન શકે ;
આકાશના તારાય નહીં,
રેલના પાટાય નહીં,
વડોદરાની શેરીઓમાં ટપકતા નળ પણ નહીં,
રવિબાબુની કવિતાય નહીં,
સારેગમનો સાય નહીં,
ને પછી આવીશ તારી પાસે --
ના, સફરજન નહીં ખાવાની મેં પ્રતિજ્ઞા લીધી છે,
આદમે કરેલી ભૂલ હું શું કરવાં કરું ?
ના, હું અયોધ્યાનો રામ નથી,
ગોકુળનો શ્યામ નથી,
હું નથી વિદેહી જનક કે નથી મુનિ સનક,
નથી હું દુર્વાસા કે નથી હું નળ,
નથી હું યમુનાનું કૃષ્ણોદક,
કે નથી નરસિંહ મહેતાએ નાહવાનું ઉષ્ણોદક ;
તો, હું કોણ છું વિભા ?
ડેલ્ફીની દેવીને રીઝવવા નીકળેલો ઈડિપસ ?
ગોદાવરીને કાંઠે ઊભેલી વનકન્યાનું સરી ગયેલું સ્વપ્નું ?
પાંડવગુફામાં અપૂજ પડેલું શિવલિંગ ?
પાર્કસ્ટ્રીટનો રાતોચોળ દીવો ?
યુનિવર્સિટીના ટાવરનો કબૂતર બેસવાથી ખસી ગયેલો કાંટો ?
ડાંગમાં ચિતાની આંખમાં,મધરાતે ઝિલાયેલો વરસાદનો પહેલો છાંટો ?
હુગલીમાં તરતો જતો તારો સોનેરી વાળ ?
બેરેક રોડ પરના કબ્રસ્તાનની પાળ ?
સ્વપ્નાં તો વિભા, આળપંપાળ,
સ્વપ્નાં તો રેતીના પહાડ.
સ્વપ્નાં તો ઉનાળામાં પલાશનાં ઝાંડ...
ઉખાડ હવે તારા બંગલાની નેમ-પ્લેટ,
કરી દે દરવાજો બંધ ને નીકળી આવ રસ્તા પર,
મારા નગરમાં આકાશને કોઈ વેંટિલેશન મૂકે
તેની રાહ જોતો પડયો છું,
ધૂળની ડમરીઓ ચડે છે
પાંદડાં ખરે છે,ચડે છે ને પડે છે,
હું આંખો મીંચી દઉં છું,
કદાચ આવતી કાલે રેતમાં ધરબાઈને
હું ટેકરી બની ગયો હોઈશ,
મારી ઉપર ઊડશે સૂકાં પાન,
ક્યારેક થાકીને બેસશે હિમાલયથી પાછો આવેલો
યુધિષ્ઠરનો શ્વાન,
નાગના બંધાશે રાફડા,
પણ કર્કોટકને ને તારે હવે શું, વિભા ?
અવાય તો આવજે કો'ક વાર,
ગ્રીષ્મમાં આવીશ તો ગુલમ્હોર ખીલશે,
સવારે આવીશ તો શિરીષ,
રાત્રે આવીશ તો રજનીગંધા,
હેમંતમાં આવીશ તો પારીજાત
ને વર્ષામાં આવીશ તો મોગરો --
ના,બહુ વિચારવું નહીં.
'હ્લ્લો ડિયર,હાઉ આર યુ' માં ખોવાઈ જવું,
નહીંતર કાલથી તારા દરિયા પર જંગલ ઊગવા માંડશે,
જંગલમાં આખા દરિયા નથી હોતા,
દરિયાના પેટાળમાં ગાઢાં જંગલ હોય છે, હોં !
-અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ

Tuesday, March 28, 2006

the Great Gujarati Author-મહાન ગુજરાતી વીર નુ પ્રસ્થાન


ગુજરાત નરકેસરી ચંદ્ર્કાંત બક્ષી


તારીખ 25-3-2006 શનિવાર ના રોજ ગુજરાત પાસેથી કુદરતે એક અમુલ્ય રતન છીનવી લીધુ,ચંદ્ર્કાંત બક્ષી એ ગુજરાતી પ્રજાનો આત્મા હતા જેણે અમારી જેવા અનેક ને વિશ્વના દરેક વિષય વિશે માહિતી આપી પછી તે બાકુની કે નિત્સેની અરાજકવાદી ફિલોસોફી હોય કે લેટીન સાહિત્ય હોય,આ બધુ અમોને આપ્યુ અને જીવનમાં કેમ ખુમારીથી ને મર્દની જેમ રહેવુ આ બધુ શિખવાડયુ.નર્મદાનો પ્રશ્ન હોય કે ગોધરા નો પ્રશ્ન હોય આ એક જ એવો માણસ હતો જેણે દંભી માનવઅધિકારોવાળા ને જડબાતોડ જવાબ આપ્યો,આવા ગુજરાતી વીર ચંદ્રકાંત બક્ષીની અમારા કોટી કોટી ના વંદન,આતા તારા જવાથી અમારુ ગુજરાત ભરજવાનીમાં રંડાય ગયું.
દુ:ખ એ વાતનુ છે કે આવો ભડવીર મૃત્ય પામ્યો ત્યારે ગુજરાતની સરકારે આખા ગુજરાતમાં શોક દિવસ પાડ્યો નહી જ્યારે કોઈ નફટ,લાંચીયો,નાલાયક,હરામખોર,દેશદ્રોહી,ધર્મદ્રોહી ને એની માના વર જેવા નેતા કે બાવો મરી જાય ત્યારે શોક પાડે છે ત્યારે થાય છે કે આ ગુજરાત ને સાચા બોલા નહી પણ ચાંપલૂસી કરે તેવા જ ઢોંગી ગમે છે.
ચંદ્ર્કાંત બક્ષી લિખીત "અસ્મિતા ગુજરાતની" માંથી થોડાક વાક્યો :
* અહીં બે જાતના અભણ ગુજરાતી મળે છે.એક અંગૂઠાછાપ અને બીજા કોંવેંટિયા.બંને ગુજરાતી શીખી રહ્યા છે.હું એક એવો દિવસ જોઈ રહ્યો છું જ્યારે ગુજરાતી માતાઓએ એમનાં બાળકો પાસેથી માતૃભાષા ગુજરાતી શીખવી પડશે.(પાના નં.23)
*મને ગુજરાતી બોલતા આવડતું નથી.મને ગુજરાતી વાંચતા આવડતું નથી.મને ગુજરાતી લખતા આવડતું નથી.આ વાક્યો ગાંધીજીના વાંદરાઓએ કહ્યાં નથી,પણ મુંબઈનાં ગુજરાતી કુટુમ્બોમાંથી અંગ્રેજી માધ્યમની સ્કુલોમાં ભણવા મોકલાયેલા ગોરાંગોરાં લંગુરો રોજ કહેતા હોય છે,જ્યારે દાંત પર બ્રેસીસ ફીટ કરેલી ગોરી ગોરી ગુજ્જુ લંગુરી છોકરી ઝાંખડા જેવા અમેરિકન સ્ટાઈલ પર્મ વાળ હલાવીને ડોનાલ્ડ ડકની જેમ મોઢું પહોળું કરીને કહે છે કે "આઈ કેંટ સ્પીક ગુજરાતી" ત્યારે એને ઊંધી કરીને એના નિંતબ પર અમેરિકોનોની જેમ "સ્પેંક" કરવાનું મન થઈ જાય છે.(પાના નં.42)
*મુરારિદાસ એંડ પાર્ટી: સ્થલક્રીડા,જલક્રીડા,પવનક્રીડા.....આજે હિન્દુ ધર્મ અથવા ગુજરાતીઓનો હિન્દુ ધર્મ અતિધનિક પૈસાદારોની સેવા કલબની ફુરસતી પ્રવૃત્તિમાં પલટાઈ રહ્યો છે,અને એક માણસ આ વિકૃતિ માટે પૂર્ણત:ઉત્તરદાયી છે.પાંચ ફીટ છ ઈચ ઊંચા,માત્ર એસ.એસ.સી. સુધી ભણેલા(બે વાર ફેલ) 47 વર્ષીય મુરારિદાસ પ્રભુદાસ ત્રિભુવનદાસ હરિયાણી.(પાના નં.219) નોંધ: હવે એક નહી બે જણ જવાબદાર છે એક મોરારી અને બીજા રમેશ ઓઝા.
*હિંદુસ્તાનમાં ગુજરાતીઓ જેટ્લી સુસ્ત સ્વેક્ન્દ્રી ઉદાસીન હકની બાબતમાં કાયર,અદૂરંદેશી,પરનિર્ભર કોઈ પ્રજા હશે ? (પાના નં. 234)

Sunday, March 19, 2006

કવિ નિરંજન ભગત નુ કાવ્ય "ફરવા આવ્યો છું" ની રચના પૃથ્વી માટે પ્રેમ છે નહી કે તિરસ્કાર કારણ કે આજના આ દંભી કથાકારો અને કામચોર બાવાઓ જે રીતે કહેતા હોય છે કે પરલોકમાં સુખ મેળવવા માટે આ કરવુ જોઈએ તે કરવુ જોઈએ(અમારા ગામમાં આવા બે જણ છે ખોટીના) આ ન કરવુ જોઈએ( એ પોતે એક્ય અમલવારી કરતા ન હોય) તેની વાત નથી પણ પૃથ્વીમાં ઘણુય એવુ છે જેનો મનભરી આનંદ મેળવો જોઈએ બીજો ભવ છે કે નહી તે તો ખબર નથી પણ નહીતર એવુ થાય કે મરવાની છેલ્લી ઘડીએ ખબર પડે કે બીજા ભવ માટે જે આપણે આ દંભીઓના પેટ ભરતા હતા તેવુ તો છે નહી અને છેતરાયા ગયા તેનુ ભાન થાય પણ પછી શું "રાંડ્યા પછી નું ડહાપણ" પણ આનો અર્થ એવો નથી કે આપણે ભ્રષ્ટાચાર કરવો કે નીતી વગરનું જીવન જીવવુ પણ જે આનંદ પ્રાકૃતિક છે તેનો મનભરી આનંદ માણવો.

ફરવા આવ્યો છું

હું તો બસ ફરવા આવ્યો છું ?
હું કયાં એકે કામ તમારું કે મારું
કરવા આવ્યો છું ?
અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા !
--રે ચહું ન પાછો ઘેર જવા !
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહીં
સરવા આવ્યો છું !
જાદુ એવો જાય જડી
કે ચાહીં શકું બે ચાર ઘડી
ને ગાઈ શકું બે ચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે
ધરવા આવ્યો છું !
હું તો બસ ફરવા આવ્યો છું !
-નિરંજન ભગત

Sunday, March 12, 2006

constantly - નિરંતર

બે દિવસ પછી હોળી અને ધૂળેટી તો હાલો એકબીજા ને અબીલ ગુલાલ અને કેશુડા ને રંગે રંગીએ અને ફાગણનો આનંદ માણ્યે.

નિરંતર

એક નિરંતર લગન ;
અમે રસ પાયા કરિયેં :
એકબીજામાં મગન :
અમે બસ ગાયા કરિયેં.
કોઈ ચાંગળું લિયે, પવાલું---
કુંભ ભરે, જો રાજી !
કોઈ કરે મુખ છોને આડું ,
કે ઈતરાજી ઝાઝી ,
છાંય હોય કે અગન ; --અમે .
સફર મહીં હો ઉજ્જડ વગડો,
કે નગરો ઝળહળતાં,
યાળ ઉછાળે ખારો દરિયો,
કે ઝરણાં ખળખળતાં ;
હવે મુઠ્ઠીમાં ગગન ; -----અમે .
-કવિ હસિત બૂચ

Thursday, March 02, 2006

phagun- ફાગણ

ફાગણ માસ નો આંરભ થઈ ચૂક્યો છે અને કેશુડો ફૂલ ફોર્મમાં છે.આ મહિનો જ એવો છે કારણ કે આ ફાગણિયો વાયરો એવો વગડામાં વા'તો હોય છે કે પ્રેમીઓ તો ગાંડા થઈ જાય અને સવારની મજા ક'ઈ ઔર જ છે,એમાં આ મહિનામાં બપોર ની વેળા વાડી એ કે ખેતરમાં વડલા ના કે લીમડા ઝાડ નીચે બાજરાનો રોટલો અને સાથે અડદ ની દાળ કે માટીની હાંડલીમાં કરેલ કઢી, ડુંગળી નો દળીયો અને છાસ બસ આટલુ મળી જાય પછી ઝાડવા નીચે સૂતા સૂતા ગુજરાતી કો'ઈ ગ્રામ્ય નવલકથા તે પછી રાવજી પટેલ કે ચુનીલાલ મડીયાની હોય તે વાંચતા જે હૈયામાં ઓડકાર આવે તેની મજા ક'ઈ ઔર જ છે.
મારી તો નોકરી જ ગામડામાં છે તેથી હું તો ખુબ આનંદ લૂટાવું છું અને પાછો વાંઢો એટલે જાણે દૂધમાં સાકર ભળે એમ આનંદ ની મજા કરુ છું. કવિ રમેશ પારેખ ફાગણ વિશે કહે છે :
તારું પહેલા વરસાદ સમું આવવું

ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું
બળતે બપ્પોર ભીનો પગરવ સુણીને
કાંઈ વાસ્યાં કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોનાં એવાં અંધાર્યા વાદળા
કે શમણે આવેલ મોર બોલ્યાં
ઓંચિંતા ધોધમાર સામસામે આપણે ઊભા રહ્યાં-નું પૂર આવવું
ફળિયે પલાશફૂલ નીતરતુ ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાં ય એવી રેખાઓ
જેવી રેખા છે ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊંછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું ?
ફાગણની ઝાળઝાળ બળતી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું
-કવિ રમેશ પારેખ

Sunday, February 19, 2006

end of love - પ્રેમનો અંત

"નખ ટેરવાંના શહેરમાં જો
તું મને શોધ્યા કરે તો
હું તને કયાંથી મળું" ?
દિવ્ય ભાસ્કર તારીખ 14-2-2006 ના રોજ કટાર લેખક શ્રી કાંતિ ભટ્ટ ને વેલેંટાઈન-ડે માટે કવિ જવાહર બક્ષી એ પ્રેમ વિશે કહેલ હતી અને તેનો ભાવાર્થ પણ સમજાવવા મે કહ્યું,કવિ કહે છે કે ; આજકાલ પશ્વિમાં પ્રેમ શબ્દ વાપરીને કે પ્રેમમાં પડીને તે જ દિવસે કે તે જ ક્ષણે તેને ભોગવી લેવાની તાલાવેલી હોય છે.'સ્લામ-બ્લામ-થેંકસ-મેડમ' જેવો શબ્દપ્રયોગ થાય છે. અર્થાત બે આંખ મળી,શારીરિક રુપનું આકર્ષણ થયું. પછી કિસાકિસ કરી અને પ્રેમીપાત્રને બેડરુમમાં સીધા લઈ જવાય છે,એ પછી તું કોણ અને હું કોણ એવો જ ભાવ બાકી રહે છે.
એ હિસાબે કવિ જવાહર બક્ષીએ લખ્યું છે કે "જો પ્રેમીઓ નખ ટેરવામાં એટલે કે માત્ર સ્પર્શમાં કે શારીરિક સુખ ભોગવવામાં જ પ્રેમને શોધતા હોય કે ભૌતિક સુખમાં રચ્યાંપચ્યાં રહે તો પછી સાચો પ્રેમ કયાંથી મળે ?
આવું જ ક'ઈક કવિ અર્જુન બ્રહ્મક્ષત્રિય પોતાના કાવ્યમાં કહે છે ;
રેતીના દરિયામાં
મેં દોરી એક સોનેરી માછલી.
કાગળનાં આકાશમાં
મેં દોર્યો એક ચંદ્ર
એક ખડક પર
પંખીને બેસાડયું.
ઈવના પિંજરામાં
પૂરી દીધો આદમને.
માછલી મરી ગઈ
ચંદ્ર ભાંગી ગયો
ખડકમાં તિરાડો પડી
પંખીનાં પીંછાં ખરી ગયાં
અને આમ ને આમ
પ્રેમનો અંત આવ્યો.
-કવિ અર્જુન બ્રહ્મક્ષત્રિય

Sunday, February 12, 2006

to stop fatigue-થોભ્યાનો થાક

છેલ્લા પંદર દીવસથી પોરબંદર ની અંદર રમેશ ઓઝા નામના કથાકાર નો જે તમાશો ચાલે છે તે જોઈને હવે તો એમ થાય છે કે ભગવાન ને પણ શું આવા જ લોકો ગમે છે ? આજે હિંદુ ધર્મ પૈસાદાર લોકોનો ધર્મ થય ગયો છે અને જ્યારથી આવા કથાકારો પછી રમેશ ઓઝા હોય કે મોરારી નામના કોઈ વ્યકિત હોય આ બધા ની કથની ક'ઈ હોય અને કરણી પણ બીજી હોય.
હમણા જે કથા ચાલે છે ત્યાં જે મંદિર બનાવેલુ છે તેની કિંમત 5 કરોડની છે અને તે મંદિર થી અંદાજીત 3 કિલોમીટર દુર સીમેંટ ફેકટરી બંધ છે,આ ફેકટરી બંધ થય જવાથી કેટલાય ગરીબ માણસોની રોજી છીનવાય ગયેલ છે,મંદીર બાંધવાને બદલે આ ફેકટરી પાછળ પૈસા નાખ્યા હોત તો કેટલાય ગરીબ માણસોના ભાગ્ય બદલાય જાત પણ આ કરે કોન ? આવો વિચાર પણ આ કથાકાર ને આવ્યો નહીં હોય કારણ કે આ બધા કથાકારો તો પૈસાદારોના ફેમીલી ડોકટર જેવા છે.
જ્યારે સાંદીપની સંસ્થામા આગ લાગી ત્યારે આ આપણા રમેશ ઓઝા એમ બોલ્યા હતા કે : આવી દુર્ઘટના બને ત્યારે સંત હોય કે સાધારણ માણસ હોય બધા ભયભીત બની જાય.હુ પણ ગભરાઈ ગયો હતો પણ મે હનુમાનજી મહારાજ્ને પ્રાર્થના કરી અને તેમણે સાંભળી હોય એમ એમ આગ તરત જ કાબૂમાં આવી ગઈ....આમ જણાવતી વેળા તેમની આંખમાંથી આંસુ ટપકી પડયા હતા(દિવ્ય ભાસકર તા.4-2-2006 સૌરાષ્ટ્ર આવૃતી)
બોલો, આ કથાકાર કેવા દંભી છે,તેમના કહેવાથી જો હનુમાનજી આગ કાબૂમાં લઈ શકતા હોય તો એક એવી પણ હનુમાનજી ને પ્રાર્થના કરો કે આ ગરીબ માણસોને જેને એક ટ'ક ખાવા પણ નથી મળતુ તેને મળતુ થય જાય.
ગુજરાત સમાચાઅર તારીખ 8-2-2006 ના 13 માં પાને એક ફોટો છે જેમાં ઉતર પ્રદેશ ના કુશીગઢ ના લોકો જમવાનુ નથી મળતુ એટલે ઉંદર શેકી ને ખાય છે.
અને આ કથામાં જે રીતે તે પૈસાનુ પ્રદર્શન કરે છે તે જોઈ ને એમ થાય છે કે આવા લોકોને ફાંસી એ લટકાવી દેવા જોઈ એ, સાધારણ માણસ ને બેસવાનુ અલગ પૈસાદારો માટે વીઆઈપી જગ્યા,જે જમણ કરે છે તેમાં પણ સાધારણ વ્યકિત માટે અલગ પૈસાદારો માટે અલગ.
ખરેખર આણે હિંદુ ધર્મને મઝાક જેવો બનાવી દીધો છે અને આવુ જોઈ ને થાય છે કે આવા લોકોની કથા માં જાવા કરતા તો મુંબઈ ના કોઠા માં જે નાચવાળી છે તેની પાસે જાવુ સારુ કારણ કે આ નાચવાળી ને પણ ક'ઈ સિધ્ધાંત તો છે આને તો એક પણ સિધ્ધાંત નથી.
લોકોને પણ આવા નાટકીયા દંભી અને રંડુળીયા જેવા ગમે છે જાવા દયો આપણા લોકો આને જ લાયક છે.
થોભ્યાનો થાક
ભટકી ભટકીને મારા થાક્યાં છે પાય
હવે પંથ મારો ચાલે તો ચાલુ :
પોપચાં બિડાય ત્યારે ખૂંચે અંધાર
અને ઊઘડે ત્યાં સળગે અજવાળું
વેદનાનું નામ કયાંય હોય નહીં એમ જાણે
વેરી દઉં હોશભેર વાત ;
જંપ નહીં જીવને આ એનો અજંપો
ને ચૈનથી બેચેન થાય રાત.
અટકે જો આંસુ તો ખટકે ; ને લ્હાય મને
થીજેલાં બિંદુઓ જો ખાળું !
સોસવાતો જાઉં છું સંગના વેરાનમાં
ને મારે એકાંત હું અવાક ;
આઘે જવાના કોઈ ઓરતા નહીં ને અહીં
થોભ્યાનો લાગે છે થાક .
આંખડીના પાણીને રોકી રોકીને, કહો-
કેમ કરી સિમ્તને સંભાળું ?
-કવિ સુરેશ દલાલ

Sunday, February 05, 2006

where is - કયાં છે

વસંત ઋતુ નું આગમન થઈ ગયું છે અને કેશુડા ના ઝાડ માં કેશરી રંગના ફુલો પોતાની આગવી છટાથી ખીલી રહ્યા છે અને હ્વે તો ખાખરના ઝાડ પણ કોઈએ રહેવા દીધા નથી પણ ક્યાંક ક્યાંક બચી ગયા છે તેને જોઈને થાય છે કે આવતા વર્ષે જે હું ઝાડ જોઈ રહ્યો છું તે બચશે કે નહી તેની કોઈ ખબર નથી કારણ કે દરેક ખેડુત જમીન ના લોભમાં પોતાના ખેતર ને શેઢે એક પણ ઝાડવું રોપતો નથી અને જે છે એને પણ કાઢી નાખે છે કારણ કે તે એમ માને છે કે એક ઝાડ્વું જે જ્ગ્યા રોકે છે તેમાં ત્રણ માંડવીના છોડવા ઉગાડી શકાય એટલે હવે તો અમારા પોરબંદર વિસ્તારમાં ગામડામાં જાયે તો જાણે આપણે કચ્છમાં આવી ગયા હોય તેમ લાગે છે,ગાયો ની ચરવાની જગ્યા જે ગૌચર કહેવાતુ એ પણ બચ્યું નથી જમીન ના લોભમાં તેને પણ ખેડી નાખી છે.
છતાં કયાંક ક્યાંક ઝાડવા બચ્યા છે તેની પાસે જઈને હાથ ફેરવી કહું છું ; આતા હેવ કાંઉ કરવું ,આ મનખાના મેરામાં કાં જણમ લીધો,આ બંથાય દોઢીયા વાહે હડી મેલે સે,ઈ'માં મારુ ને તારુ કા'ઈ નેત રેવા'નુ,હેવ તે'તો દી કા'ઢે નાયખા હે'વ હુ ય કાઢે નાખું.

કયાં છે ?
જાંબુડાના ઝાડ ઉપર લટકતો
લીલો લીલો મારો સૂરજ કયાં છે ?
ક્યાં છે મારા ખેતરખૂણાના કૂવામાં
કબૂતરાંની પાંખો ઉપર સૂતેલો
ભોળો ભોળો અંધકાર ?

પ્રભાતપંખીનાં પગલાની લિપિમાં
આળખેલો
ડુંગર ફરતો ,ચકરાતો એ ચીલો કયાં છે ?
કયાં છે મારી પથ્થર વચ્ચે
પાણી લઈને વહેતી
શમણા જેવી નદી ?

વનપરીના નાનકડા ખોબા જેવી
તરંગની આંગળીઓ વચ્ચે
પવન રમાડતી
પેલી મારી તલાવડી કયાં છે ?

કયાં છે મારું ટેકરીઓનું ગામ,
ગામનું ઘર,ઘરની કોઢ,કોઢમાં
અંધારાની કાળી ગાયને દહોતી મારી બા ?
કયાં છે.......
-કવિ જયન્ત પાઠક

Sunday, January 29, 2006

black flower- કાળું ફૂલ

ઈસ્લામીક કટરવાદ કેવો હોય છે તે આપણે અફઘાનિસ્તામાં જ્યારે તાલેબાન ની સતા હતી ત્યારે સમગ્ર વિશ્વે અનુભવેલું,આપણા ગુજરાતી સાહિત્યના કટાર લેખો ના જે ભિષ્મપિતા ગણાય છે તેવાં શ્રી ચંદ્રકાંતભાઈ બક્ષી ના લેખ 'વાતાયન' માં એક કવિતા તેમણે પોતાના લેખમાં આપેલ તે અહીં રજુ કરુ છું.
કલોઝ અપ
*********
અફઘાનિસ્તાનના હેરાત શહેરમાં 29 વર્ષીય ફરીદ અહમદ મજીદમિયાંએ એની 25 વર્ષીય પત્ની નાદિયા અંજુમનને પીટીપીટીને મારી નાખી કારણ કે એ ગઝલ લખતી હતી. પતિ ફરીદ સાહિત્યમાં સ્નાતક હતો. અને પત્ની નાદિયા કવિ હતી જેણે 'ગુલે-દૂદી'(કાળું ફૂલ ) નામનો ગઝલસંગ્રહ પ્રકટ કર્યો હતો.હસીન,નિર્દોષ, નાદિયાના ગઝલ સંગ્રહમાંથી એક ગઝલ.:
કાળું ફૂલ

મારામાં કોઈ ઈચ્છા રહી નથી ગાવા માટે મોઢું ખોલવાની
હું ગાઉં કે ન ગાઉં મારા કિસ્મતમાં નફરત જ છે.
મારા મોઢામાં કટૂતા ભરી છે તો હું શી રીતે મધુર વાતો કહું ?
મારા મોઢા પરનાં આ ક્રૂર ફટકા વિશે શું કહું ?
હું આ ખૂણામાં પાંજરામાં બંધ છું, વિષાદ અને વેદના સાથે.
હું કોઈ આશય માટે જન્મી નથી, અને મારા હોઠ સીવી લેવાના છે.
મને ખબર છે વસંત ઋતુ આવી ગઈ છે, ખુશીની મૌસમ
પણ મારી પાંખો બંધ છે અને હું ઊડી શકતી નથી.
હું એ દિવસ ઊગે એવા ખ્વાબ જોઈ રહી છું જ્યારે મારું પાંજરુ ખૂલશે
અને હું મારું માથું બહાર કાઢીને મસ્તીથી ગઝલ ગાઈશ.
હું પવનમાં હાલતી લતા જેવી કમજોર નથી
હું અફઘાન ઔરત છું અને મારે આક્રંદ કરવું જ પડશે...
-લંડ્ન 'ટાઈમ્સ' :નવેમ્બર 13,2005



Read
Nadia Biography and Poetry.






Thursday, January 26, 2006

my voice- મારો અવાજ

આજે પ્રજાસતાક દીવસ છે, દરેક દેશને પોતાનું બંધારણ હોય છે અને તે બંધારણ તે દેશની છબી અને મિજાજ પ્રસ્તુત કરતુ હોય છે પણ આપણા દેશનું બંધારણ એક એવી ગાય જેવુ છે કે જેના હાથમાં સતા હોય તે આ ગાયરુપી બંધારણ ને મનફાવે તેટલીવાર દોહી શકે છે.
કરમની કઠણાઈ તો એ છે કે આપણ ને વડાપ્રધાન પણ ચાટણવૃતી જેવો મળ્યો, સાઉદી અરેબીયા નો રાજા જે પ્રજાસતાક દીવસ નો મુખ્ય અતિથી હતો તેને એરપોરર્ટ પર લેવા આપણા આ વડાપ્રધાન ખુદ ગયો[કોઈ દેશમાં આવુ બનતુ નથી કારણ કે વડાપ્રધાન ના પદની એક ગરિમા હોય છે] અને આ સાઉદી અરેબીયાનો રાજા જે ખુદ લોકશાહી નો વિરોધી છે અને અન્ય ધર્મ પ્રત્યે ભેદભાવ રાખે છે તેને આપણે મુખ્ય અતિથી તરીકે રાખ્યો.
જાવા દયો આ બધી વાતો આ પોપાબાઈ નું રાજ છે, કવિ મહેશ ભટ પોતાના કાવ્યમાં કહે છે :
અવાજના અનેક રુપ છે.....
દીવાળીના ઉત્સવ વખતે
કાન ફાડી નાખતા ફટાકડાઓમાં
અવાજ ધુમાડો બની જાય છે......
જેની અડધી વસતિ
જ્યારે અડધી ભૂખી રહેતી હોય ત્યારે
પ્રજાસત્તાક દિને આકાશમાં ઊડતા હેલિકોપ્ટરની
ઘણઘણાટીમાં અવાજ અશાંત બની જતો લાગે છે !
જુઠાં,પોકળ વચનોનો વરસાદ વરસાવતા
નેતાઓના કર્કશ ભાષણોના ભાર નીચે
એ ચગદાઈ જાય છે......
ભાડૂતી માણસોના 'ઝિંન્દાબાદ' ના સૂત્રોમાં
ખરીદાયેલો અવાજ 'કોલાહાલ' બની કાય છે.
ને રેલ્વે પ્લેટફોર્મ પર રોજી રળવા બરાડા પાડીને કંટાળો
આપતા ફેરિયાઓનો અવાજ 'ઘોંઘાટ' લાગે છે.
'આવો' ના અવાજનું અમૃત મે પીધું છે....
'આવજો' નુ માધર્યુ મેં માણ્યું છે.
કેટલાક અવાજ કર્ણપ્રિય હોય છે
જેમ કે વહેતા પાણીનો
જંગલમાં સંચરતા પવનથી નાચતાં પાંદડાઓનો
શૈયામાં મધરાતે પાસું ફેરવતી મુગ્ધાની બંગડીઓના
રણકારનો
અને હમણા જ બોલવા શીખેલા બાળકની
અસ્પષ્ટ કાલી બોલીનો.....
પણ...હું એ અવાજની પ્રતીક્ષા કરું છુ
જે માત્ર મને જ સંભળાવાનો છે
જેના આંદોલનો પકડી હું ઊર્ધ્વગામી બનવાનો છું....
જે મારા અંતરમાંથી ઊઠવાનો છે....
એવો મારો અવાજ...
=કવિ મહેશ ભટ

Sunday, January 15, 2006

my country's search a candle- મીણબત્તીની શોધાશોધ ચાલે છે......

હમણા પોરબંદરમાં દંભીઓનો મેળો હતો અને જેમાં આપણા ઈંડિયાના[ભારત ના નહીં] રાષ્ટ્રપતિ તેના અધ્યક્ષ હતા આ મેળાનુ નામ હતુ "વેલ્ય એજ્યુકેશ્ન" અને રમેશ ઓઝા નામના કથાકાર કે જે કર્મકાંડીઓની ફેકટરી ચલાવે છે અને જેમાં ફકત બ્રાહમણ લોકોને ને જ પ્રવેશ આપવામાં આવે છે તે સંસ્થામાં એક વિજ્ઞાન ગેલેરીનુ ઉદઘાટ કરવાનુ.
રાષ્ટ્રપતિ પોરબંદર આવ્યા અને 6[છ] જીલ્લાની પોલીસ તેના રક્ષણ માટે આવી અને બીજા અગણિત ઓફિસરો આવ્યા[ફરજંદેખાસ] અને રાષ્ટ્રપતિ ને મજા આવે કે નાગરિકો ખુશાલીમાં છે તે માટે જે લોકો આખા વર્ષ ના ખીચડી-ચોખા ખાઈ શકે તે માટે પતંગ નો ધંધો કરતા હતા તેને દુર કર્યા અને અનેક લોકોને ધંધા બંધ કરાવ્યા,આમ આ મહાશય આવ્યા અને પોતાનુ કર્ણપ્રિય ભાષણ આપ્યું[અંગ્રેજીમાં આપ્યું] કોઈને ક'ઈ ખબર પડી નહી.આ મહામાનવ બાળકો ગમે છે તે માટે દરેક શાળામાંથી ફરજીયાત બાળકોને લઈ આવ્યા[આજુબાજુ ના દરેક ગામડામાંથી].
ચાલો તો આનો ખર્ચ માંડીએ; 6 જીલ્લાનીએ પોલીસ નો ખર્ચ અને તેના વાહનો,અગાઉથી આવેલા ફરજંદેખાસ ના ખર્ચાઓ. મારા માનવા મુજ્બ 1 થી 2 કરોડ ની વચ્ચે ખર્ચ આવ્યો અને મહામાનવે જે જે 2 બિલ્ડીંગ ના પોતાના કમલ હસ્તે ઉદઘાટ કર્યા તેની કિંમત અંદાજીત 25 લાખ છે.
તો ચાલો આપણે બધા સાથે મળીને બોલીએ "લોકશાહી અમર રહે", "રાજાશાહી નો નાશ થાય"[આ સૂત્ર આપણે દંભી છીએ એટલે જોરથી બોલવાનુ અને પ્રથમ શબ્દ નો સ્વર લંબાવાનો] મહેરબાની કરીને ડો. સિધ્ધાર્થભાઈ અને પંચમભાઈ કોઈ એવી દવા કે ઈંજેકશન આવતા હોય જે ઉપરના સૂત્ર લંબાવીને ગાઈ શકાય તો મને મોકલાવજો જેથી હું પણ અન્ય લોકોની જેમ સુ-સ્વર બોલી શકું.

અરે કોઈ તો
********
હું એકાગ્ર ચિત્તે વાંચું છું
સામેની બારીનો રેડિયો
મારા કાનમાં કંઈક ગર્જે છે.
દીવાલ પરનું ઈલેકિટ્ર્ક ઘડિયાળ
વર્તમાન સાથે ઘસાતું ચાલે છે.
ટયુબલાઈટનું સ્ટાર્ટર
તમરાંનું ટોળુ થૈ કણસ્યા કરે છે.
ઉઘાડા પડેલા દરવાજાની ઘંટી
ડચકાં ભરતી ભરતી રણકે છે.
ઘરનો નોકર દૂધવાળા જોડે
અફવાઓની આપ-લે કરે છે.
પડોશણનો અપરિચિત ચહેરો
કુથલીના ડાયલ ફેરવે છે.
રસ્તા પરનો નાહકનો ઝઘડો
બારી વાટે મારા ઘરમાં પ્રવેશે છે.
ઓચિંતો ફયુઝ જતાં, લાઈટ
અંધારું થઈને પથરાઈ જાય છે.
મારો આખો માળો અંધરોધબ.....
નીચલે માળથી વ્યાસ બૂમ પાડે છે :
"કાલીદાસ ! તુકારામ ! અલ્યા નરસિંહ !
કો'ઈ તો
ઈલેકિટ્રશિયને બોલાવો ! "
બાજુવાળાં મીરાંબેન સ્વસ્થ અવાજે કહે છે :
"અરે ગિરિધર ! સાંભળે છે કે,-
પહેલાં મીણબત્તી તો લાવ......
અને-
મારી ચાલીમાં
મારા માળામાં
મારા ઘરમાં
મારા દેશમાં
મીણબત્તીની શોધાશોધ ચાલે છે......
=કવિ જગદીશ જોશી

Sunday, January 01, 2006

never voice can dig - અવાજ ને ખોદી શકાતો નથી

આપણે સાચુ બોલી શકતા નથી ને ખોટુ સાંભળી શકતા નથી કારણ ? આપણુ જીવન દંભ જેવુ થઈ ગયુ છે આપણે બુધ્ધિથી વધુ જીવન જીવીએ છે ચાર્લી ચેપ્લિને કહયુ હતુ કે "we think too much and feel too little.more than machinery we need humanity.more than cleverness we need kindness and gentleness.without these qualities life will be violent and all will be lost અર્થાત 'આપણે બુધ્ધિથી વધુ પડતુ જીવીએ છીએ અને હદયથી નહીવત.યંત્રોથી વિશેષ તો આપણને માનવતાની જરુર છે.ચાલાકીથી વિશેષ તો આપણને દયા અને નમ્રતાની જરુર છે. આ સદગુણો વિના જીવન હિંસક બની જશે અને આપણો સર્વનાશ થશે'. આજે આપણો પોતાનો અવાજ પણ ભાડુતી બની ગયો છે અને આપણુ જીવન ધુતરાષ્ટ્ર જેવુ થઈ ગયુ છે. ચાલો આવી ચિંતાઓની કરીને આપણો રવિવાર શા માટે બગાડીએ ? આજે કવિ લાભશંકર ઠાકર નુ કાવ્ય પ્રસ્તુત કરુ છુ અને તેનુ શિર્ષક છે "અવાજને ખોદી શકાતો નથી".

અવાજને ખોદી શકાતો નથી.

અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતુ6 નથી મૌન.
હે વિપ્લવખોર મિત્રો !
આપણી રઝળતી ખોપરીઓને
આપણે દાટી શકતા નથી
અને આપણી ભૂખરી ચિંતાઓને
આપણે સાંધી શકતા નથી.તો
સફેદ હંસ જેવા આપણા સપનાઓને
તરતાં મૂકવા માટે. ક્યાં સુધી કાલાવાલા કરીશું
આ ઊષરભૂમિની કાંટાળી વાડને ? આપણી આંખોની ઝાંખાશનો લાભ લઈ
વૃક્ષોએ ઊડવા માંડયું છે એ ખરું.
પણ એ શું સાચું નથી
કે આંખો આપીને આપણને
છેતરવામાં આવ્યા છે ? વાગીશ્વરીના નેત્રસરોવરમાંથી
ખોબોક પાણી પી
ફરી કામે વળગતા
થાકી ગયેલા મિત્રો !
સાચે જ અવાજને ખોદી શકાતો નથી નૈ ઊંચકી શકાતું નથી મૌન.
=કવિ લાભશંકર ઠાકર

Sunday, December 25, 2005

when i thought-મારા વિશે વિચાર કરું છું ત્યારે

આજે આપણે માયા એંજેલુ ની કવિતા કે જેનો અનુવાદ મહેશભાઈ દવે કરેલ છે તે પ્રસ્તુત કરુ છું.કાવ્યમાં માયા કહે છે કે જ્યારે હું મારા વિશે વિચારુ કરું છુ ત્યારે હસીહસી ને બેવડી થઈ જાઉ છું કારણે એક સમય એવો હતો કે જેને ઘરે હું કામ કરતી હતી તેની નાનકડી બેબી પણ એય છોકરી કહીને બોલાવતી આવા અનેક અપમાનો સહન કર્યા હતા અને જ્યારે માનવી ગરીબ હોય છે ત્યારે અનેક પ્રકારની લાચારી ભોગવી પડે છે.કવિશ્રી સુરેશ દલાલે આ કાવ્યના વિવેચનમાં લખેલ કે આમ તો અંદર જવાળામુખી છે,ઝુકી ન જાઉ એટલું સ્વાભિમાન છે તો સામા પક્ષે ફીટે નહીં એવી ગરીબી છે.ભુખ્યં પેટ હમેંશા દુ:ખી હોય છે.આસપાસના વિશ્વને જોઈ લીધું.જોવા જેવુય નથી અને રોવા જેવુંય નથી.હસીહસીને લોથપોથ થઈ ગઈ છું.માણસો જોઈ લીધા.સ્કીન ડીપ કલ્ચરના માણસો છે.ફળનો પાક ઉતારે છે પણ એમને ફળના ગર્ભમાં કે ફળના આત્મામાં રસ નથી. એ લોકો તો છાલ ને છોતરાં ખાય એવા માણસો છે અને એટલે જ આ બધાને જોઈને રડવું આવે ત્યાં સુધી હસું છું.
મારા વિશે વિચાર કરું છું ત્યારે
***************************
મારા વિશે વિચાર કરું છું ત્યારે
હસીહસીને લગભગ મરવા જેવી થઈ જાઉં છું
મારું જીવન એટલે એક મોટી મજાક :
નૃત્ય મારું ચાલવા બરાબર ને
ગાયન મારું બોલવા બરાબર
એટલું તો જોરથી હસવું આવે છે કે
શ્વાસ રુંધાય છે ને ઉધરસ ચડે છે
મારા વિશે વિચાર કરું છું ત્યારે
આ સદગૃહસ્થોના વિશ્વવમાં
મેં કાઢયાં છે સાઠ વર્ષ :
જેની હું સંભાળ રાખું છું તે બેબી,
‘એય છોકરી’ કહીને મને બોલાવે છે
ને મારે તો ભાઈ કામ કરવું છે તેથી
તેને હું ‘બેન-બા’ કહી સંબોધું છું
ઝુકે નહી તેટલું અભિમાન
ફીટે નહીં એટલી ગરીબી
પેટ દુખી જાય એટલું હસવું આવે છે.
મારા વિશે વિચાર કરું છું ત્યારે.
મારા લોક પણ મને હસાવે છે
એટલા જોરથી હસાવે છે કે
હું મૃતપ્રાય: થઈ જાઉ છું .
તેઓ ફળના પાક ઉતારે
પણ ખાય છે માત્ર તેના પરની છાલ
રડવું આવે ત્યાં સુધી હસું છું
મારા લોક વિશે વિચાર કરું છું ત્યારે.
=કવયિત્રી માયા એંજેલુ -અનુવાદ મહેશ દવે

Sunday, November 27, 2005

story of one chicken-મરઘાની વાત

આ કાવ્યમાં કે જે હું આજે આપની સમક્ષ કવિ "ઉદયન ઠક્કર" પ્રસ્તુત કરું છુ જેમાં મારી તમારી બધાની વાત છે.

આ ફકત એક મરઘાની વાત છે
**************************
મસિજદબંદરમાં મણિલાલ નામે
એક બદામી રંગનો મરઘો રહે છે.
મણિલાલ નાંનાં મરઘાંઓને બિવરાવે છે.
મરઘીઓ અગાડી છાતીમાં હવા ભરીને બાંગ મારે છે.
ખાધેપીધે સુખી છે, ટૂંકમાં.
મણિલાલ મરઘાને ખબર નથી
કે પોતે થોડા જ દિવસોમાં ખવાઈ જવાનો.
પણ ધારો કે એને ખબર બી હોય,
અને એ ગમે તેમ ભાગી બી જાય,
તો ચાર ગલ્લી દૂર ડોંગરીમાં એને બીજો કોઈ પકડી પાડશે,
અરે મુંબઈની બારે ભાગી જાય તો સીમ ને ખેતરોમાં ઝલાશે,
જંગલમાં ભાગે તો ભીંલડાં ને શિયાળવાં દાંત ભેરવશે,
દરિયામાં ડાઈવ લગાવી તરતો તરતો ઈંડિયા છોડી દે
તો રોમ ને રંગૂનમાં રાંધશે,
માલિક સામે લડશે તો ગળું ટૂંપાશે,
ખુશામદ કરતો રહેશે તોય કાપશે.
સંતાઈ છુપાઈ જશે તો ગોતીગોતીને મારી ખાશે.
કહો તમે જ કહો, મણિલાલ જાય કયાં ? મણિલાલ કરે શું ?
=કવિ ઉદયન ઠક્કર

Tuesday, November 22, 2005

waiting someone

"સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ ,
ચાલ, મજાની આંબાવાડી ! આવળ બાવળ રમીએ."

પ્રતિક્ષા નો આનંદ પણ કંઈ'ક ઔર જ છે,જ્યારે સમગ્ર સંસારનાં પાત્રો જેને આપણા માન્યા હોઈ તેજ વિમુખ થઈ જતા જોઈ ને સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય છે પણ છતાં એમ થાઈ છે કે ના હજી કો'ક તો છે જે કે જેના હ્રદયમાં મારુ સ્થાન છે અને તે મારાથા વિમુખ નથી અને આ પાત્રની પ્રતિક્ષા હોઈ છે "સુરેશ દલાલ" પોતાના કાવ્યમા આવું જ કંઈ'ક કહે છે :

કોઈ રસ્તાની ધારે ધારે
બેસી સાંજ સવારે
તારી રાહ જોંઉ છું.
ઊડતાં ઊડતાં પંખીઓ પણ
તારું નામ પુકારે
તારી રાહ જોઉ છું.
તારું નામ લઈને આભે
સૂર્યોદય પણ થાતો .
સૂરજ તારું નામ લઈને
સાંજે ડૂબી જાતો.
કદીક આવશે તું :
એવા અગમતણા અણસારે
તારી રાહ જોઉ છું.
વનની કેડી વાંકીચૂકી : મારે કેડી સીધી .
મેં તો તારા નામની
મીઠી કમલકટોરી પીધી.
રાતની નીરવ શાંતિ :
એના રણઝણતા રણકારે
તારી રાહ જોંઉ છું.

Tuesday, October 04, 2005

navaratri Goddess festival start today



Hindu Festival Navaratri start today.navaratri means nine night and each day worship separate Goddess[Davi]today first day and we worship Goddess Sailaputra - Daughter of the Himalayas[right side above Goddess photo] also in night folk dance "dandiya Ras.

Goddess Parvati[Sailaputra] slokas
Yaa Devi Sarva Bhooteshu Buddhi Roopena Samsthita
Namastasyai Namastasyai Namastasyai Namo Namaha.
means
Meaning:Salutations again and again to the Devi (Goddess) who resides in all beings in the form of intelligence.


Thursday, September 29, 2005

fresh flower's rose-તાજુ ગુલાબનું ફુલ

બાળપણની મઝા જ કંઈક જુદી છે અને બાળકો હમેંશા નિર્દોશ દંભ વગરની જીવન જીવતા હોય છે કવિ એસ.એસ.રાહી પોતાના કાવ્યમાં કહે છે :
તાજા ગુલાબનું ફુલ
*************
વહેલી સવારે બગીચામાં
એક યુવાન પ્રેમીને તેની પ્રેમિકાને
આપવા માટે
તાજા ગુલાબનું ફુલ તોડતો
જોઉ છું ત્યારે
હું ચૂપ નથી બેસતો.હું તેને તેમ કરતાં ચોક્કસ રોકું છું
કારણ.......?
એક ગરીબ પિતા
તેની ઝૂંપડીની બહાર
તેનાં કુમળા બાળકોને સોટીથી
મારતો જોંઉ છું ત્યારે
હું તેને તેમ કરતાં ચોક્કસ અટકાવું છું.
કારણ.......?
લાકડીના ટેકે ધીમે ધીમે ચાલતો
એક વુધ્ધ
રસ્તો ક્રોસ કરવાં માટે
આજુબાજુ જુએ છે ત્યારે
હું તેની પાસે પહોંચી જાઉ છું અને
તેને હું મારા જમણા હાથનો ટેકો આપી
રસ્તો ક્રોસ કરાવું છું.
કારણ.......?
સિટી બસ ચિક્કાર ભરેલી છે.
એક બસ સ્ટેંડ પાસે એક યુવતી
તેના સાવ નાના બાળકને લઈને
બસમાં ચઢે છે.
બેસવાની જગ્યા માટે તે આમતેમ
જુએ છે.
ત્યારે હું તેને મારી સીટ ખાલી
કરી આપું છું અને તેને ત્યાં
બેસવા કહું છું.
કારણ.......?
કારણ કે જ્યારે આવું કશુંક બને છે
ત્યારે મારામાં સૂતેલો બાળક સફાળો
જાગી ઊઠે છે...
=કવિ એસ.એસ.રાહી

Sunday, September 25, 2005

waiting-પ્રતીક્ષા

થોડોક સમય હમણા બહાર ગયો હતો ડુંગરોમાં રખડવા એટલે કંઈ લખી શકાયું નહી અને આજે જ પ્રીતિસેન ગુપ્તા ની કાવ્યની બુક મારા હાથમાં આવી,પ્રીતિસેન પોતે એક સારી પ્રવાસ વીરાંગના તો છે જ પણ તેમનાં કાવ્યો પણ સારા હોય છે તો આજે તેમનું કાવ્ય "પ્રતીક્ષા" અહીં પ્રસ્તુત કરુ છું
પ્રતીક્ષા
********
ચોકમાં ચણ નાખીને બેસી રહું છું
મારા બોલાવ્યાથી જ
પંખી આવી નથી જતું.
એ આવે છે એની જ મરજીથી.
ફુલો મધુનાં ભારથી લચી પડે તો
શું ?
મન થાશે ત્યારે જ
ફરફરતું
પતંગિયું આવશે.
રસ્તામાંનાં
ખાબોચિયામાં
છબછબિયાં કરવાનું
મન નથી થતું હવે.
ભેજની શેવાળથી
છવાયેલાં કાચ પર
નામ લખી દેવાનું
તોફાન નથી સૂઝતું હવે.
અવરજવર તો રહી.
ને ધૂળિયાં પગલાંયે ઘણા પડયાં,
પણ કોઈનાયે પદક્ષેપથી
શલ્યાનો ઉધ્ધાર નથી થયો હજી.
જાણું છું
જે પંખી ના આવે તેને માટે
ચણ નાખીને બેસી રહેવું,
જે પતંગિયું ભમ્યાં કરે તેને માટે
ફુલોએ સાજ સજવા,
જેનો સ્પર્શ થવાનો નથી
તે સુવર્ણમણિની આશામાં તપોમગ્ન
રહેવું
તે તો છે
અપાત્રને કરેલું દાન.
= કવિયત્રી પ્રીતિસેન ગુપ્તા
*************************************************************************************
જાહેરાત
Public release of well known Gujarati poet
Shree Rajendra Shukla’s
‘Gazal-Samhita’: a set of 5 books
a work of almost 30 years…..
450 Gujarati Gazals….in just Rs 300.

The poet himself has not shown any interest in publishing for last 25 years after his second collection of poems in 1981 (Antar Gaandhaar).

The close friends and die-hard fans of him finally managed everything from publishing to public release of his work on 4th Sep 2005 in Gajjar Hall, Ahmedabad.

Let us contribute (invest) a little towards Gujarati and to appreciate the poet’s 30 years of work by purchasing this set. This is really a good set to gift fellow friends and relatives.

You may obtain this set from:

Gazal Samhita
SaHraday Prakashan
714, Anand Mangal-3
In Opp street to Doctors’ House
Ambavadi, Ahmedabad 380006

Phone: 079-26861764, 26404365
Mobile: 09898421234, 09327022755


Other detail:
http://www.commsp.ee.ic.ac.uk/~pancham/mystuff.html