Saturday, August 27, 2005

Lord krishna birth day-જનમાષ્ટમી


આજે જન્માષ્ટમી છે અને નટખટ કાનજી કે કાનુડાનો જન્મદિવસ,ક્રુષ્ણનો એક એવો પણ અર્થ થાય છે કેન્દ્ર અને સમગ્ર હિંદુ ધર્મનું જો કોઈ કેન્દ્ર હોય તો તે ક્રુષ્ણ છે. ભારતની કોઈ પણ ભાષાના કાવ્યનું અધ્યન કરવામા આવે તો સૌથી વધારે કાવ્ય લખાયેલ હોય કોઈ એક વ્યકિત ઉપર તો તે શ્રી ક્રુષ્ણ છે. આજે આવું જ એક કાવ્ય જે કવિ શ્રી રવિન્દ્ર પારેખ નું છે જેમાં કવિ ફરીયાદ કરે છે કે તમે રાધા ને શા માટે છોડી દીધી ? ક્રુષ્ણ એક જ એવાં ભગવાન છે કે તેની સાથે મિત્રની જેમ વાતો કરી શકાય કે ઝગડો પણ કરી શકાય બીજા બધા ભગવાનો સાથે કરી શકાતુ નથી.

ગોકુળિયું
***********
મથુરાની આંખોને લ્હેવા જતાંય કદી
મનમાં શું એમ જરા આવ્યું ?
કે ગોકુળ મોંફાટ હશે રોયું !
શ્યામ ! તમે ચપટીમાં ગોકુળિયું ખોયું-

દોમદોમ સાહ્યબીમાં એવાં ગરકાવ
ગયું મોરપિચ્છ પાછું રે મોરમાં,
વાંસળીના સૂર ફરી વાંસે ઠેલાય
તોય ફરતું સુદર્શન કૈં તોરમાં,
ગોકુળ તો રાધાની આંખોનું ફુલ !
કેમ ખીલતાં પહેલા જ તમે તોડયું ?
શ્યામ ! તમે ચપટીમાં ગોકુળિયું ખોયું-

પડછાયા સોનાના પડતા જ્યાં હોય
નામ રાધાનું ક્યાંથી હોય,
ગોકુળ તો રાધાની જમુનાભર આંખ
અને વનરાવન ચાંદનીમાં રોય,
ગોકુળનો અર્થ હવે કેવળ વ્યાકુળ
તોય એકાદું આંસુ ના લ્હોયું,
શ્યામ ! તમે ચપટીમાં ગોકુળિયું ખોયું-
=રવીન્દ્ર પારેખ

1 comment:

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah) said...

અશોકભાઈ,


તમે એક પછી એક સુંદર કવિતાઓ રજૂ કરો છો. તમારા આ પ્રયત્નો ખરેખર પ્રસંશાને લાયક છે. આ પ્રમાણે સુંદર રચનાઓની પસંદગી કરી તેમને અત્રે રજૂ કરવાનું ચાલુ જ રાખશો. તમારી રચનાઓ ખરેખર સુંદર અને બીજા કોઈ બ્લોગ પર પ્રસિદ્ધ થયેલી ન હોવાથી વાચવાંની અને માણવાની ખરેખર મજા આવે છે.
કોઈપણ પ્રકારની "પોલીસી" વગર નિસ્વાર્થ ભાવે કરેલ કાર્ય વખાણવા લાયક જ છે.

સિદ્ધાર્થ શાહ