વસંત ઋતુ નું આગમન થઈ ગયું છે અને કેશુડા ના ઝાડ માં કેશરી રંગના ફુલો પોતાની આગવી છટાથી ખીલી રહ્યા છે અને હ્વે તો ખાખરના ઝાડ પણ કોઈએ રહેવા દીધા નથી પણ ક્યાંક ક્યાંક બચી ગયા છે તેને જોઈને થાય છે કે આવતા વર્ષે જે હું ઝાડ જોઈ રહ્યો છું તે બચશે કે નહી તેની કોઈ ખબર નથી કારણ કે દરેક ખેડુત જમીન ના લોભમાં પોતાના ખેતર ને શેઢે એક પણ ઝાડવું રોપતો નથી અને જે છે એને પણ કાઢી નાખે છે કારણ કે તે એમ માને છે કે એક ઝાડ્વું જે જ્ગ્યા રોકે છે તેમાં ત્રણ માંડવીના છોડવા ઉગાડી શકાય એટલે હવે તો અમારા પોરબંદર વિસ્તારમાં ગામડામાં જાયે તો જાણે આપણે કચ્છમાં આવી ગયા હોય તેમ લાગે છે,ગાયો ની ચરવાની જગ્યા જે ગૌચર કહેવાતુ એ પણ બચ્યું નથી જમીન ના લોભમાં તેને પણ ખેડી નાખી છે.
છતાં કયાંક ક્યાંક ઝાડવા બચ્યા છે તેની પાસે જઈને હાથ ફેરવી કહું છું ; આતા હેવ કાંઉ કરવું ,આ મનખાના મેરામાં કાં જણમ લીધો,આ બંથાય દોઢીયા વાહે હડી મેલે સે,ઈ'માં મારુ ને તારુ કા'ઈ નેત રેવા'નુ,હેવ તે'તો દી કા'ઢે નાયખા હે'વ હુ ય કાઢે નાખું.
કયાં છે ?
જાંબુડાના ઝાડ ઉપર લટકતો
લીલો લીલો મારો સૂરજ કયાં છે ?
ક્યાં છે મારા ખેતરખૂણાના કૂવામાં
કબૂતરાંની પાંખો ઉપર સૂતેલો
ભોળો ભોળો અંધકાર ?
પ્રભાતપંખીનાં પગલાની લિપિમાં
આળખેલો
ડુંગર ફરતો ,ચકરાતો એ ચીલો કયાં છે ?
કયાં છે મારી પથ્થર વચ્ચે
પાણી લઈને વહેતી
શમણા જેવી નદી ?
વનપરીના નાનકડા ખોબા જેવી
તરંગની આંગળીઓ વચ્ચે
પવન રમાડતી
પેલી મારી તલાવડી કયાં છે ?
કયાં છે મારું ટેકરીઓનું ગામ,
ગામનું ઘર,ઘરની કોઢ,કોઢમાં
અંધારાની કાળી ગાયને દહોતી મારી બા ?
કયાં છે.......
-કવિ જયન્ત પાઠક
1 comment:
અશોકભાઈ,
અતિસુંદર અને આંખો ખોલાવતી આ કવિતા મારી અતિપ્રિય છે. નૈસર્ગિક સુંદરતાએ મારો પ્રિય વિષય છે. તમારી આ કવિતા મારા બ્લોગ ઉપર રજૂ કરવાની ઈચ્છો હુ રોકી શકતો નથી. આશા રાખુ કે તમોને કોઈ વાંધો નહિ હોય. આવી સુંદર રચનાનો આસ્વાદ કરાવવાનું ચાલુ રાખશો.
સિદ્ધાર્થ શાહ
Post a Comment