Saturday, April 29, 2006

only i can do - આટલું જ થઈ શકે એમ લાગે છે.

આટલું જ થઈ શકે એમ લાગે છે.

પ્રેમને અમે જોયો નથી,એના વિશે સાંભળ્યું છે ઘણું.
પ્રેમ કેવો હશે ?
ગુલાબી ? લીલોછમ ? કેસરી ? મધ જેવો મીઠો ? ચંચળ ઝરણા-શો ?
સુરીલો ? સુંવાળો ? રુપાળો ? હસમુખો ?
હશે તો ખરો જ કોઈક રીતે કોડીલો ને કામણગારો !
શી રીતે અમે એની પગની પાનીને અડી શકીએ ?
શી રીતે એને પકડી શકાય સ્વપ્નના દોરથી ?
કહે છે કે પ્રેમ તો કાંટામાંય દેખાડે ગુલાબો ;
પહાડોય અધ્ધર કરી આપે પલકમાં ;
હશે......
પણ અમારી સરહદમાં તો છે નર્યા કાંટા, નર્યા પહાડ.
કંઈ કાળથી કરીએ છીએ પ્રતીક્ષા કોઈક પ્રેમ-નામી જણની,
પણ નિષ્ફળ.
હાથણી થાકી ગઈ ભર્યોભર્યો કળશ ઉપાડીને.
નાખી નજર પહોંચે ત્યાં સુધી જોઉ છું, મને લંબાવીને,
મને નખશિખ ખંખેરીનેય જોંઉ છું ;
કયાંક એકાદ ગુલાબની કળીયે શેની જડે ?
આ ખારો પટ, આ ખાલીપો, આ ખવાયેલાં ખોરડાં,
આ તૂટેલા રસ્તા ને ઊખડેલા ઉંબર,
ભવની ભવાઈની આ ભોપાળા-શી ભટકણો,
આ અંધાપાની અટકણો.
--અમારા એકએક ટેકા હતા અંદરથી સડેલા,
અમારી અડીખમતા વસ્તુત: હતી બિનપાયાદાર,
અમે કોની વચ્ચે રહ્યા આજ લગી
ને કોને માન્યાં અમે અમારા જણ ?
અમારા પીંજરામાં મેના નહોતી, ને મેના નહોતી તો શું હતું ?
ગઢના કાંગરા ખરતા જાય છે,
તડકાય ટાઢા લાગે છે ;
ને પેલી હથેલીઓની ઉષ્માભરી વાત ?
ભાઈ,શેખચલ્લી, નરી શેખચલ્લી.
અમને જુઓ તો ખરા,જરા નજીકથી જુઓ :
કાંટાળા છીએ,એકલા છીએ, થોર છીએ !
અમે તૈયાર છીએ ઘુવડનેય માટે,
ભલે ને આવે અહીં ભેંકારતાનું પોટલું લઈને.
અમે હવે શું ઊંઘવાના હતા ?
વળી વળીને ગાંઠ વળી જાય્ છે શ્વાસની.
અમારાથી સપનાંય બનાવી શકતાં નથી મનગમતાં,
અમને સખત લાગે છે અમારા હોવાની ગૂંગળામણ,
આપ અમને મદદ ન કરો ?
આ જીર્ણ કોટની થોડી ઈંટો ન ખેંચી આપો ?
અમારા પવિત્ર દિવસોમાંથી,
થોડાં આપ કપાવી ન આપો ?
અમને એક પ્યાલી તાજી હવા તો પિવડાવો,ભલા !
પ્રેમ ભલે ન અપાય, થોડું આશ્વાસન....થોડુંક....
નહીં,આશ્વાસન પણ શા માટે ?
થોડુંક મીઠું મીઠું મોત....હૂંફાળું હૂંફાળું મોત....
તાજી હવામાં ભેળવીને આપી શકાય એવું,
થોડુંક સરસ મધમધતું મોત.....
અમે સમજી ગયા છીએ ટૂંકાણમાં કે
અમારે કોઈનીય સાથે હાથ મિલાવ્યા વગર,
પૂરી અદબ સાથે,
આપનો લાડકો પ્રેમ જરાય નારાજ ન થાય એમ,
સમજપૂર્વક, શાંતિથી અહીંથી ચાલ્યા જવાનું છે....
ને જવાબદાર સદગૃહસ્થ તરીકે અમે આપને
વિશ્વાસ આપીએ છીએ,
અમે એમ જ કરશું ;
કેમ કે અમારાથી હવે આટલું જ થઈ શકે,
એમ અમને હાડોહાડ લાગે છે.
-
કવિ ચંદ્રકાંત શેઠ.



2 comments:

Think Life said...

Dear Ashok bhai!

How enjoyable it is to read such Gujarati poetry on the NET!

...* Chetu *... said...

very nice..