Sunday, April 23, 2006

we - આપણે આવી રીતે

આપણે આવી રીતે.........

આપણે આવી રીતે છૂટા નહોતું પડવું જોઈતું, વિભા.
ટ્રેન તો બીજી પણ આવત,
ને સાંજ તો બીજી પણ પડત,
ને સ્ટેશન તો બીજું પણ મળત.
ને અમેરિકા તો બીજો પણ શોધાત.
પાછા ફરતાં જોયું તો મારા નગરમાં,
ઠેર ઠેર પર્વતો ઊગી નીકળ્યા છે,
રસ્તાઓ નદીઓ બનીને વહેવા લાગ્યા છે,
'બસ થોબો'ના થાંભલાઓ કાંટાળાં ઝાડ બની ગયા છે,
લારી ખેંચતી મારવાડણોના સ્તનો,
સફરજન બનીને લટકી રહ્યાં છે ;
ઘોર અરણ્ય વચ્ચે હું સર્યો જાઉં છું,વિભા,
કર્કોટકની શોધમાં ભમું છું.
બાહુક બનવાનાં સ્વપ્નો સાથે રમું છું,
મને કોઈ કહેતાં કોઈ ઓળખી ન શકે ;
આકાશના તારાય નહીં,
રેલના પાટાય નહીં,
વડોદરાની શેરીઓમાં ટપકતા નળ પણ નહીં,
રવિબાબુની કવિતાય નહીં,
સારેગમનો સાય નહીં,
ને પછી આવીશ તારી પાસે --
ના, સફરજન નહીં ખાવાની મેં પ્રતિજ્ઞા લીધી છે,
આદમે કરેલી ભૂલ હું શું કરવાં કરું ?
ના, હું અયોધ્યાનો રામ નથી,
ગોકુળનો શ્યામ નથી,
હું નથી વિદેહી જનક કે નથી મુનિ સનક,
નથી હું દુર્વાસા કે નથી હું નળ,
નથી હું યમુનાનું કૃષ્ણોદક,
કે નથી નરસિંહ મહેતાએ નાહવાનું ઉષ્ણોદક ;
તો, હું કોણ છું વિભા ?
ડેલ્ફીની દેવીને રીઝવવા નીકળેલો ઈડિપસ ?
ગોદાવરીને કાંઠે ઊભેલી વનકન્યાનું સરી ગયેલું સ્વપ્નું ?
પાંડવગુફામાં અપૂજ પડેલું શિવલિંગ ?
પાર્કસ્ટ્રીટનો રાતોચોળ દીવો ?
યુનિવર્સિટીના ટાવરનો કબૂતર બેસવાથી ખસી ગયેલો કાંટો ?
ડાંગમાં ચિતાની આંખમાં,મધરાતે ઝિલાયેલો વરસાદનો પહેલો છાંટો ?
હુગલીમાં તરતો જતો તારો સોનેરી વાળ ?
બેરેક રોડ પરના કબ્રસ્તાનની પાળ ?
સ્વપ્નાં તો વિભા, આળપંપાળ,
સ્વપ્નાં તો રેતીના પહાડ.
સ્વપ્નાં તો ઉનાળામાં પલાશનાં ઝાંડ...
ઉખાડ હવે તારા બંગલાની નેમ-પ્લેટ,
કરી દે દરવાજો બંધ ને નીકળી આવ રસ્તા પર,
મારા નગરમાં આકાશને કોઈ વેંટિલેશન મૂકે
તેની રાહ જોતો પડયો છું,
ધૂળની ડમરીઓ ચડે છે
પાંદડાં ખરે છે,ચડે છે ને પડે છે,
હું આંખો મીંચી દઉં છું,
કદાચ આવતી કાલે રેતમાં ધરબાઈને
હું ટેકરી બની ગયો હોઈશ,
મારી ઉપર ઊડશે સૂકાં પાન,
ક્યારેક થાકીને બેસશે હિમાલયથી પાછો આવેલો
યુધિષ્ઠરનો શ્વાન,
નાગના બંધાશે રાફડા,
પણ કર્કોટકને ને તારે હવે શું, વિભા ?
અવાય તો આવજે કો'ક વાર,
ગ્રીષ્મમાં આવીશ તો ગુલમ્હોર ખીલશે,
સવારે આવીશ તો શિરીષ,
રાત્રે આવીશ તો રજનીગંધા,
હેમંતમાં આવીશ તો પારીજાત
ને વર્ષામાં આવીશ તો મોગરો --
ના,બહુ વિચારવું નહીં.
'હ્લ્લો ડિયર,હાઉ આર યુ' માં ખોવાઈ જવું,
નહીંતર કાલથી તારા દરિયા પર જંગલ ઊગવા માંડશે,
જંગલમાં આખા દરિયા નથી હોતા,
દરિયાના પેટાળમાં ગાઢાં જંગલ હોય છે, હોં !
-અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ

4 comments:

Hetal said...

Khub j saras Anirudhbhai. Tamaro khub khub aabhar aavi saras rachana mate.

None said...

Nice poem...modern and creative....I enjoyed it a lot....am not sure how good it is for ordinary readers!!!!

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah) said...

અશોકભાઈ,


આમ તો મને ગાઈ શકાય, ગણગણાવી શકાય એવી કવિતાઓ વધારે ગમે છે, પરંતુ આ ખૂબ જ સરસ રચના છે.


સિદ્ધાર્થ શાહ

Unknown said...

Khub j gami aa rachna...
Pan Vibha aa samji saki?