Tuesday, August 16, 2005

person-માણસ

માણસ
******
સમય નામન ઘાટ ઉપર,સંબંધોના લિસ્સા પથ્થર પર,ધોવાન બહાના હેઠળ
પીટાતો માણસ મેં જોયો છે. તેં જોયો છે ?

શેરી વચ્ચે ખુલ્લમ ખુલ્લાં બાળક જેવી રમત રમીને ગોળ ગોળ કુંડાળે-
શોધી કાઢી તાકીને ઈંટાતો માણસ મેં જોયો છે, તે જોયો છે ?

વાર વારના વાર કરી દે, કટકા એક હજાર કરી દે, કોક જુએ ને કોક ખરીદે
ના માંગો એ ફરી ફરી દે અને છતાંય -
નહીં ખપેલા કાપડના તાકાની માફક ફરી ફરી-
વીંટાતો માણસ મેં જોયો છે, તે જોયો છે ?

વાઢે કાઢે રસ, ને બાળે,બાળી બાળી ફરી ઉકાળે, પછી નિંરાતે
ઠારે ગાળે સઘળાં બેસી એક કુંડાળે-
એ મહેફિલમાં વારે વારે પ્યાલાઓમાં ભરી ભરી-
ઢીંચાતો માણસ મેં જોયો છે, તે જોયો છે ?
હતી અડાબીડ ડાળો, વચ્ચે એક હતો ત્યાં માળો, પાછો એય-
હતો હૂંફાળો. એમાં પહેલી વહેલી પાંપણ ખોલી નજર કરીને-
આભ જોઈને પાંખ ફૂટી ને પળમાં તો ઊડે એ પહેલાં તીણાં તીણાં
ન્હોર વડે પીંખાતો માણસ મેં જોયો છે. તે જોયો છે ?

ટીપી ટીપી ઘાટ ઘડાવે, ઉપર પાણી ખૂબ ચડાવે,
ઘસી ઘસીને ધાર કઢાવે, હાથા એના કૈક બનાવે
આખે આખી જાત છૂપાવી લાગ જોઈને વાર કરે ને પછી ખચાખચ
માણસ પર ઝીંકાતો માણસ મેં જોયો છે. તે જોયો છે ?
= કવિ કૃષ્ણ દવે
કવિ કૃષ્ણ દવે માણસ કેવો હોય છે તે પોતાના કાવ્યમાં કહી દીધુ છે, જે પશુ-પંખી ન કરી શકે તે દરેક કામ સિફતાથી માણસ કરી શકે છે.
અશોક ઓડેદરા

1 comment:

None said...

Nice Blog...I like selection very much.